• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ડ્રગ્સના કેસોમાં સુનાવણીની ધીમી ગતિ ?

            સુપ્રીમનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને સવાલ, વિશેષ અદાલતો કયારે બનશે

નવી દિલ્હી, તા. 16 ઃ  દેશભરમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં થયેલા ચિંતાજનક વધારા અને એનડીપીએસ એક્ટ હેઠળ પેન્ડિંગ કેસોની વધતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોનું પુછાણું લીધું હતું. આ સાથે એનડીપીએસ કાયદા હેઠળના ગંભીર ગુનાઓના કેસોની સુનાવણી માટે 449 વિશેષ અદાલતો સ્થાપવાની દિશામાં થયેલી પ્રગતિ અંગેના નવા સ્થિતિ અહેવાલો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ખંડપીઠે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીની રજૂઆતની નોંધ લેતાં જણાવ્યું હતું કે, વિશેષ અદાલતો સ્થાપવા અંગે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા નિર્દેશોના પાલન માટે અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.

ન્યાયમૂર્તિ બાગચીએ જણાવ્યું હતું કે, આ મામલો ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ સુનાવણી માટે યોગ્ય છે. તેમણે નોંધ્યું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત આ સુનાવણી માટે ઉપલબ્ધ નથી. બેંચે જણાવ્યું હતું કે, તેઓ આ ‘સુઓ મોટુ’ (સ્વયં સંજ્ઞાન દ્વારા લેવાયેલા) મામલાની સુનાવણી થોડા અઠવાડિયા માટે મુલતવી રાખી રહ્યા છે.

બેન્ચે જણાવ્યું હતું કે, આ બાબતની સુનાવણી ડિસેમ્બરમાં આવતા શિયાળુ વેકેશન પહેલાં થઈ શકે છે. નોંધનીય છે કે, 7 સપ્ટેમ્બરના અદાલતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને વિશેષ અદાલતો સ્થાપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને છ અઠવાડિયાની અંદર તેની સ્થાપના સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક