• મંગળવાર, 17 નવેમ્બર, 2026

સોમનાથ કોરિડોર માટે મેગા ડિમોલિશન 72 હોટલ, રહેણાક મકાનો જમીનદોસ્ત

બજાર ભાવે ખરીદાયેલી 27 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવાની કવાયત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

 

વેરાવળ, તા.16 ઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. સોમનાથ મંદિર આસપાસ કોરિડોર પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી 72થી વધુ હોટલો, રહેણાક મકાનો સહિતની મિલકતોની ઇમારતો ઉતારી જમીનદોસ્ત કરવાની મેગા કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. સવારથી જ ભારે મશીનરી સાથે શરૂ થયેલી આ કામગીરીને પગલે સમગ્ર વિસ્તારમાં તંત્રની કવાયત જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ મંદિરની આસપાસ કોરિડોર પ્રોજેક્ટ માટે જરૂરી જમીન મેળવવાની પ્રક્રિયા અંતર્ગત સરકારે મિલકતધારકો પાસેથી બજાર ભાવે મિલકતો ખરીદી લીધી છે. આ અંતર્ગત અંદાજે 27 હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જમીન સંપાદિત કરવામાં આવી છે. હવે સરકારની માલિકીની બનેલી આ જમીન પર આવેલી ઇમારતો ઉતારી જમીનદોસ્ત કરીને જગ્યા ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિશાળ કામગીરી માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં સાધનસામગ્રી તૈનાત કરવામાં આવી છે. જેમાં ચાર હિટાચી મશીન, 10 જેટલા જેસીબી અને 50 જેટલા ટ્રેક્ટરો સહિતની મશીનરી તથા મજૂરોની મદદથી યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 એક તરફ હિટાચી અને જેસીબી મશીનો દ્વારા ઇમારતો ઉતારી જમીનદોસ્ત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કાટમાળ હટાવીને જમીન ખુલ્લી કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. મેગા કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરને કેન્દ્રમાં રાખીને ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ અમલમાં આવનાર છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે    

મંદિર આસપાસના વિસ્તારને નવા સ્વરૂપમાં વિકસાવવાની યોજના છે. તેના માટે સરકારે બજાર ભાવે મિલકતો ખરીદી સંપાદિત કરી છે. હવે આ મિલકતોની ઇમારતો ઉતારી જમીનદોસ્ત કરીને વિશાળ જગ્યા ખુલ્લી કરવાની કામગીરીએ વેગ પકડÎો છે.

આ અંગે વેરાવળના પ્રાંત અધિકારી જૈમીન કાકડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ખરીદવામાં આવેલી અને સંપાદિત કરાયેલી મિલકતોની ઇમારતો ઉતારી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં તંત્રની મેગા કામગીરી શરૂ થતાં આગામી સમયમાં સોમનાથ મંદિર આસપાસના વિસ્તારનું નવું સ્વરૂપ જોવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક