બીજી વખત સંભાળશે જવાબદારી
નવી દિલ્હી, તા.16 : જય શાહની ફરી એકવાર ઇન્ટરનેશનલ
ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ સતત બીજી વખત બિનહરીફ
આઇસીસી ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે.
જય
શાહ પ્રથમ વખત વર્ષ 2024માં આ સર્વોચ્ચ પદ પર આરુઢ થયા હતા અને હવે તેઓ બીજા કાર્યકાળ
માટે ચૂંટાયા છે. જય શાહને કોઈપણ વિરોધ વિના ફરીથી ચેરમેન તરીકે ચૂંટી લેવામાં આવ્યા
હોવાની જાહેરાત બોર્ડે કરી છે. ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાયેલી બેઠકમાં આઇસીસીના
ડિરેક્ટરોએ તેમનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
અગાઉ
બીસીસીઆઇના સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા જય શાહે પુન: નિયુક્તિ બદલ આનંદ વ્યક્ત
કર્યો હતો. જય શાહ દ્વારા જણાવાયું કે, આઇસીસી એ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી
હું સન્માનિત અનુભવું છું. દરેક ડિરેક્ટરના સતત મળી રહેલાં સમર્થન બદલ હું તેમનો આભાર
માનું છું. આઇસીસી ચેરમેન બનવું એ ગૌરવ અને જવાબદારી બન્નેની વાત છે. હું મારા સાથીદારો
સાથે મળીને ક્રિકેટને સમગ્ર વિશ્વમાં વધુ લોકપ્રિય બનાવવા અને આગળ લઈ જવા માટે સંપૂર્ણપણે
પ્રતિબદ્ધ છું.
બાલીમાં
યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં જય શાહની બિનહરીફ વરણી ઉપરાંત અન્ય કેટલાક નિર્ણાયક
નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આઇસીસીએ આ બેઠકમાં વર્ષ 2035 સુધીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
કેલેન્ડરને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કેલેન્ડર મુજબ ભારતને બે મોટી મેગા ટૂર્નામેન્ટ્સની
યજમાની મળી છે, જે અંતર્ગત ભારત વર્ષ 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે અને
ત્યારબાદ વર્ષ 2031માં બાંગ્લાદેશ સાથે મળીને સંયુક્ત રીતે વન-ડે વર્લ્ડ કપની યજમાની
પણ કરશે.