રાજકોટ, તા.31 : જામનગર રોડ પરના
માધાપર બસ સ્ટેશન પાસે રહેતા અને માધાપર ચોકડી પાસે પીઠડ આઈ ક્રેપ નામે ભંગારનો ધંધો
કરતા અને રિક્ષા ચલાવતા બળદેવ લાલજીભાઈ સોંદરવા નામના યુવાને ભીચરી ગામના મહાવીરસિંહ
જીતેન્દ્રસિંહ સોલંકી નામના શખસે લોન અપાવી દેવાના બહાને રૂ.ર લાખની ઠગાઈ કરી ફરાર
થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં
બળદેવ સોંદરવા તેની દુકાને હતો ત્યારે મહાવીરસિંહ સોલંકી નામનો શખસ આવ્યો હતો અને હોમ
ક્રેડિટમાં નોકરી કરતો હોય લોન કે ક્રેડિટ કાર્ડ લેવા બાબતે વાત કરી બળદેવનો મોબાઇલ
નંબર લઈ જતો રહ્યો હતો. બાદમાં બીજા દિવસે મહાવીરસિંહનો ફોન આવ્યો હતો અને લોન અપાવી
દેવાની વાત કરી હતી. બળદેવને તેની બહેનના લગ્ન કરવાના હોય નાણાંની જરૂરિયાત હોવાની
વાત કરી હતી અને બાદમાં મહાવીરસિંહે ક્રેપના ધંધાર્થી બળદેવના આધાર કાર્ડ,પાન કાર્ડ
તેમજ ચેક મગાવી લઈ બે લાખની લોન મંજૂર થઈ જવાની વાત કરી હતી. ત્યારબાદ લોન ફી પેટે
રૂ.10,800 ગૂગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. બીજા દિવસે રૂ.1.96 લાખની રકમની લોન જમા
થયાનો બેન્કનો મેસેજ આવ્યો હતો. બાદમાં અડધી કલાક પછી મહાવીરસિંહનો ફોન આવ્યો હતો અને
લોનનાં નાણાં આવી ગયાનું પૂછયું હતું અને બળદેવને એક લાખની જરૂર હોવાની વાત કરી હોય
મહાવીરસિંહે રૂ.96 હજારની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી અને તયાર બાદ રૂ.પ0 હજાર અને
રૂ.38 હજારની રકમ ટ્રાન્સફર કરાવી લઈ સસ્તી લોન કરાવી આપવાની વાત કરી હતી.
ત્યારબાદ ફરીથી રૂ.1ર,300ની રકમ
લોન ફી પેટે લઈ લીધા હતા. બાદમાં શંકા જતા બળદેવે તેના મિત્ર દીપ સોનીને વાત કરી બેન્કનું
સ્ટેટમેન્ટ કઢાવતા મહાવીરસિંહ સોલંકીએ લોનના બહાને ઠગાઈ કરી રૂ.ર.07 લાખની રકમની ઠગાઈ
કર્યાની જાણ થઈ હતી. પોલીસે ભીચરી ગામના અને હાલમાં મહાપૂજા ચોકમાં રહેતા મહાવીરસિંહ
સોલંકી નામના ચીટરની શોધખોળ શરૂ કરી હતી.