રાજનાથસિંહે
જવાનો સાથે દિવાળીની ઉજવણીમાં કહ્યું, ચીન સાથે વાતચીત હજી આગળ વધશે પણ રાહ જોવી પડશે
નવી
દિલ્હી, તા. 31 : ભારત અને ચીન વચ્ચે મહત્ત્વની સમજૂતિ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ
વાત આગળ વધવાની આશા વ્યક્ત કરી છે. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે પૂરી કોશિશ કરવામાં
આવશે કે વાતચીત હજી પણ આગળ વધે. જો કે આ માટે થોડી રાહ જોવી પડશે. રક્ષા મંત્રીએ કહ્યું
હતું કે હવે બન્ને દેશની સેનાઓ એલએસીથી પાછળ હટી ચૂકી છે અને સૈનિકો વચ્ચે પેટ્રોલિંગની
સાથે સાથે જાનવરોને ચરાવવાને લઈને પણ સમજૂતિ થઈ છે. રાજનાથ સિંહે આગળ કહ્યું હતું કે
આ કોઈ નાની ઉપલબ્ધિ નથી,જવાનોની બહાદુરીના કારણે આ સફળતા મળી છે.
રાજનાથસિંહે
કહ્યું હતું કે એલએસી ઉપર અમુક ક્ષેત્રમાં સંઘષના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી
અને સૈન્ય બન્ને સ્તરે વાતચીત થતી આવી છે. હવે વાતચીતને જમીની સ્તરે લઈ આવવા માટે વ્યાપક
સહમતિ થઈ છે. રાજનાથ સિંહે બડા ખાનાના અવસરે તેજપુર સ્થિત ગજરાજ કોરના મુખ્યાલયમાં
ભારતીય સેનાના જવાનોને સંબોધિત કરતા શાંતિ પ્રક્રિયામાં સૈનિકોના પ્રયાસોની સરાહના
કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સામાન્ય સહમતિ મારફતે શાંતિ પ્રક્રિયાને જારી રાખવા
માગે છે.
પુર્વ
વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ તો કહ્યું હતું કે મિત્ર બદલી શકાય છે પણ પાડોસી બદલી
શકાતા નથી. ભારત પાડોસીઓ સાથે સારા સંબંધ બનાવી રાખવા માગે છે અને આ ભારતની સ્પષ્ટ
નીતિ છે. જો કે ક્યારેક એવી સ્થિતિ બને છે કે દેશની સરહદની રક્ષા માટે સંઘર્ષ કરવો
પડે છે.આ સમયે સરકાર શાંતિ યથાવત રાખવાનો દરેક સંભવ પ્રયાસ કરે છે. રક્ષા મંત્રીએ આગળ
ઉમેર્યું હતું કે, આ કોઈ નાની વાત નથી. સેનાના કારણે જ સમજૂતી શક્ય બની છે અને પરસ્પરના
સંવાદની ભૂમિકા મહત્વની રહી છે કારણ કે દરેક સેનાના સાહસ અને પરાક્રમથી પરિચિત છે.