મુંબઈ,
તા.31: ન્યુઝીલેન્ડના હાથે બેંગ્લુરુ અને પૂણે ટેસ્ટની શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા
શુક્રવારથી શરૂ થતાં ત્રીજા અને આખરી ટેસ્ટને બચાવવાનાં દબાણ સામે મેદાનમાં ઉતરશે.
પાછલા અઢી દશકમાં આવું પહેલીવાર થયું છે કે, ભારતીય ટીમ પર વ્હાઇટવોશનો ખતરો તોળાઈ
રહ્યો છે. પોતાનાં ઘરમાં રમતા ટીમ ઇન્ડિયાએ ક્યારે પણ ત્રણ કે તેથી વધુ મેચની ટેસ્ટ
સિરીઝમાં વ્હાઇટવોશ સહન કર્યો નથી. આ પહેલા ટીમ ઇન્ડિયા છેલ્લે 1999-2000માં દ. આફ્રિકા
સામે સરજમીં પર બે મેચની ટેસ્ટ શ્રેણી 0-2થી હારી હતી. ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણી
જીતનો ભારતના વિજયરથ પર લગામ મૂકી ન્યુઝીલેન્ડ ટીમ હવે શ્રેણીનો આખરી મેચ કબજે કરવાના
મજબૂત મનોબળ સાથે મેદાનમાં ઉતરશે જ્યારે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાનું એકમાત્ર
લક્ષ્ય મુંબઈ ટેસ્ટની જીતનું હશે.
ભારતીય
ટીમ માટે મુંબઈ ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ ઘણો મહત્ત્વનો
છે. મુંબઈ ટેસ્ટની જીતથી રોહિતની ટીમની ફાઇનલની આશા જીવંત રહેશે. ભારતે જો પોતાના બળે
ફાઇનલમાં જગ્યા બનાવી હશે તો મુંબઈ ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામેના પાંચમાંથી ચાર ટેસ્ટ
મેચ જીતવા પડશે.
વર્તમાન
શ્રેણીમાં ભારતની ચિંતા બેટધરોના નબળા દેખાવની છે. ખાસ કરીને કપ્તાન રોહિત શર્મા અને
વિરાટ કોહલીના બેટમાંથી રન નીકળી રહ્યા નથી.
વિરાટે આ સીઝનમાં ઘરમાં રમતા 8 ઇનિંગમાં 26.71ની સરેરાશથી ફકત 187 રન કર્યા
છે જ્યારે મુંબઈનો લોકલ બોય રોહિત શર્મા 8 ઇનિંગમાં 13ની સરેરાશથી 104 રન જ કરી શકયો
છે. બન્ને ન્યુઝીલેન્ડ સામે એક-એક અર્ધસદી કરી શકયા છે.
મુંબઈ
ટેસ્ટ લાલ માટે પર રમાશે. જે બેટધરો અને સ્પિનરોને મદદરૂપ થાય છે. જો કે વાનખેડે સ્ટેડિયમ
સમુદ્ર કિનારે હોવાથી સવારે અને સાંજે સીમ બોલરોને પણ ફાયદો મળશે. છેલ્લે અહીં ભારતે
ન્યુઝીલેન્ડને 2021માં 372 રને હાર આપી હતી.
ભારતીય
ઇલેવનમાં 3 સ્પિનર અને બે ફાસ્ટ બોલરનું કોમ્બિનેશન જોવા મળી શકે છે. બુમરાહની સાથે
આકાશદીપ જોવા મળી શકે છે. સરફરાઝ ખાન લોકલ બોય છે અને વાનખેડે સ્ટેડિયમ પર ડોમેસ્ટિક
ક્રિકેટમાં રનના ઢગલા કરી ચૂક્યો છે. આથી તેનું ઇલેવનમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવે
છે. આથી કેએલ રાહુલે ફરી બહાર બેસવું પડશે.
ન્યુઝીલેન્ડની
ઇલેવનમાં મેટ હેનરીની વાપસી સંભવ છે. તે હવે ફિટ છે. આથી ટિમ સાઉધીને વિશ્રામ લેવો
પડશે. ત્રીજો ટેસ્ટ જીતવા કિવિ બેટધરોએ સારો દેખાવ કરવો પડશે.