• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

25 નેટ બોલરો સાથે ટીમ ઇન્ડિયાની બેટિંગ પ્રેક્ટિસ

ફરજિયાત અભ્યાસ સત્રમાં કોચ ગંભીરના માર્ગદર્શનમાં ભારતીય ખેલાડીઓએ ભરપૂર પરસેવો પાડયો

મુંબઇ, તા.31: ન્યુઝીલેન્ડ સામે 0-2થી પાછળ રહ્યા બાદ શ્રેણી ગુમાવી ચૂકેલ ટીમ ઇન્ડિયા સચોટ બોલિંગ કરી રહેલ કિવિઝ બોલરો અને ખાસ કરીને સ્પિનરોનો સામનો કરવા માટે વાનખેડે સ્ટેડિયમમાં ભરપૂર પરસેવો પાડી રહી છે. કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ભારતીય ટીમના બે ફરજિયાત અભ્યાસ સત્રમાં દરેક ખેલાડી હાજર રહ્યા હતા.

બેંગ્લુરુ ટેસ્ટમાં ભારતીય બેટધરો કિવિઝ ફાસ્ટ બોલરોની ઉછાળ લેતા દડાનો સામનો કરી શક્યા ન હતા અને ઘૂંટણીયે પડી ગયા હતા. જ્યારે પૂણેમાં કિવિઝ સ્પિનરો સામે નતમસ્તક થયા હતા. બીજા ટેસ્ટમાં સ્પિનર મિચેલ સેંટનરે 13 વિકેટ ઝડપીને ભારતની બેટિંગ હરોળની કેડ ભાંગી નાંખી હતી.

આથી કોચ ગંભીર અને સપોર્ટ સ્ટાફ કડક બન્યો છે અને બુધ-ગુરુવારે બે ફરજિયાત અભ્યાસ સત્રનું વાનખેડે સ્ટેડિયમ પર આયોજન કર્યું હતું. જેથી ત્રીજા ટેસ્ટમાં સારી તૈયારી સાથે ઉતરી શકે. જે શુક્રવારથી શરૂ થશે. ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે જણાવ્યું કે ખેલાડીઓએ એ સમજી લેવાની જરૂર છે કે કોઇ બોલ ટર્ન થાય છે અને કોઇ સીધો આવે છે. આ વાત તેમણે મગજમાં બેસાડવી પડશે. બેટધરોએ એ સમજી લેવું પડશે કે બોલરના હાથમાં દડો કઇ રીતે છૂટે છે.

નેટ પ્રેક્ટિસ દરમિયાન ભારતના કોચિંગ સ્ટાફે 2પ નેટ બોલરને બોલાવ્યા હતા. જેમાં સ્થાનિક સ્પિન અને ફાસ્ટ બોલર સામેલ હતા. તેમણે સીનીયર ખેલાડીઓ સામે 3 કલાક સુધી બોલિંગ કરી હતી. મોહમ્મદ સિરાજ સહિત તમામ પાસે કોચ ગંભીરે લાંબા સમય સુધી બેટિંગ પ્રેક્ટિસ કરાવી હતી. ખાસ વાત એ રહી હતી કે સિરાજે વિરાટ કોહલીના બેટથી પ્રેક્ટિસ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક