દ્વારકા,
સોમનાથ, સાસણ, જૂનાગઢ, કેવડિયા, આબુ, દીવમાં પગ મૂકવાની જગ્યા નહીં : ખાનગી વાહનો,
હોટલ-રેસ્ટોરન્ટમાં ઉઘાડી લૂંટની રાવ
રાજકોટ,
તા. 31 : અગાઉના સમયમાં લોકો સગાસ્નેહીઓને મળવા હળવા માટે દિવાળી, નૂતન વર્ષે ઘરે જ
રહેતા હતા. હવે સમય બદલાયો છે અને લોકોની માનસિકતા પણ બદલાઈ છે. દિવાળીની રજાના દિવસોમાં
લોકો અગાઉથી જ બહારગામ ફરવા જવાનું આયોજન કરી લેતા હોય છે તેમજ ઘણા લોકો તો અંગત વર્તુળ
સાથે દિવાળી પણ બહારગામ જ ઉજવે છે. દિવાળીની રજામાં લોકો સૌરાષ્ટ્ર-ગુજરાતના ધાર્મિક
અને પ્રવાસન સ્થળે ફરવા જઈ રહ્યા છે ત્યારે દિવાળીના દિવસથી જ આવાં સ્થળે લોકોની ચિક્કાર
ભીડ જામી રહી છે.
સૌરાષ્ટ્રના
દ્વારકા, સોમનાથ, સાસણ, જુનાગઢ ઉપરાંત કેવડીયા, આબુ અને દીવમાં પણ પગ મૂકવાની જગ્યા
મળતી નથી. આવા સ્થળે ખાનગી વાહનો ભાડે કરીને જતા લોકો વાહન ચાલકોની ઉઘાડી લૂંટનો ભોગ
બનતા હોવાની રાવ ઉઠી રહી છે. ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ મનફાવે એવા ભાવ લેવામાં
આવી રહ્યા છે.
દિવાળીની
રજામાં પ્રવાસીઓનો ધસારો રહેવાનો છે, એવો અંદાજ લગાવીને એસટી નિગમ દ્વારા રાજ્યભરમાં
2200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.
આમ છતાં મુસાફરોની ભીડ અને માગને પહોંચી વળવા ચોક્કસ રૂટ પર તાબડતોબ વધારાની
બસો મૂકવાની ફરજ પડી રહી છે. એસટીની બસની ભીડથી કંટાળેલા લોકો ખાનગી વાહનમાં જાય ત્યારે
તોતિંગ ભાડા વસૂલાય છે. જૂનાગઢ, વેરાવળ, સુરત, વડોદરા જેવાં રેલવે સ્ટેશન પર તો લોકોની
એટલી ભીડ છે કે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ ચોક્કસ સમય સુધી બંધ કરી દેવું પડયું છે.
રાજકોટ
શહેરમાં પણ અટલ સરોવર, પ્રદ્યુમ્ન પાર્ક, રેસકોર્સ રિંગ રોડ, આજી ડેમ જેવાં સ્થળે માનવ
મેદની ઉમટી હતી. શહેરના રસ્તા પર દિવાળીના દિવસે પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો હતો.
બંદોબસ્ત માટે મુકાયેલા પોલીસનો સ્ટાફ ઓછો પડે એવી હાલત થઈ હતી. દિવાળીની રાત્રીએ મોડી
રાત સુધી ફટાકડા ફોડવાનો આનંદ લોકોએ માણ્યો હતો.