પોરબંદર,
તા.12: પોરબંદરમાં બેલ્ટ, ચશ્મા, ટોપીની દુકાનમાં કામ કરતા ચાર કર્મચારીએ અઢી લાખની
ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ચારેય વ્યક્તિએ ગુમ થયેલા પૈસા અંગે ખબર નહીં
હોવાનું જણાવ્યું હતું પરંતુ સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા તેઓએ અલગ અલગ તારીખે ચોરી
કરી હોવાનું જણાયું હતું. તેથી તમામ સામે એફોઆઇઆર નોંધાઈ છે.
પોરબંદરના
ગધાઇવાડાના નાકે ગોલારાણા ફળિયામાં રહેતા અને હરીશ ટોકિઝ પાછળ માલદેભાઈના ડેલા તરીકે
ઓળખાતા સ્થળે મોર્ડન અપ નામની બેલ્ટ, ચશ્મા, ટોપી, પરફયુમની દસ વર્ષથી દુકાન ચલાવતા
ભાવેશ મણીલાલ કૃષ્ણવડા નામના 35 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની
દુકાનમાં ચાર કર્મચારી કામ કરે છે. દરમિયાન વેપારીઓને પેમેન્ટ આપવાનું હોવાથી બે લાખ
પચાસ હજાર રૂપિયા એ હિસાબમાંથી ઓછા નીકળ્યા હતા. આથી કામ કરતા ચારેય માણસ વીરડી પ્લોટના
ગિરીશ દાના પાંડાવદરા, બોખીરાના રવિ રમેશ વાઘેલા, રામ લીલા વાઘેલા અને દેગામના અજય
નટુ ખરાને પૂછયું હતું. તા.29-10ના આ હિસાબ બાબતે ચારેય લોકોને પૂછતા તેઓએ પૈસા લીધા
નથી તેમ જણાવ્યું હતું. આમ છતાં જો કોઈએ લીધા હોય તો સ્વેચ્છાએ પરત ખાનામાં મૂકી દેજો
એમ કહ્યું હતું અને દસ દિવસ સુધી રાહ જોઈ હતી પરંતુ ચારમાંથી કોઈ વ્યક્તિએ પૈસા પરત
મૂક્યા ન હતા.
આથી
અંતે ભાવેશે દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તા.17-10થી તા.29-10 દરમિયાન
અલગ-અલગ તારીખે આ ચારેચાર ઇસમો ચોરી કરતા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. આથી આ
ચારેય શખસ સામે ચોરીનો ગુનો દાખલ થતાં આગળની તપાસ કીર્તિ મંદિર પોલીસે હાથ ધરી છે.