• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

પોરબંદરમાં પ્રેમપ્રકરણમાં યુવાનની પાઈપ-ધોકાના ઘા ઝીંકી હત્યા પૂર્વ પ્રેમિકાનો ભાઈ-પતિ સહિતનાએ સરાજાહેર ઢીમ ઢાળી દીધું

પોરબંદર, તા.30 : બોખીરા વિસ્તારમાં રહેતા યુવાનની અગાઉના પ્રેમ પ્રકરણમાં પૂર્વ પ્રેમિકાના ભાઈ-પતિ સહિત ચાર શખસે સરાજાહેર ધોકા-પાઈપના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે હત્યારાઓ સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બોખીરા વિસ્તારમાં  પાણીના ટાંકા પાસે રહેતા હિતેષ ઉર્ફે હીરેન ભના કારાવદરા નામના યુવાનની બોખીરા વિસ્તારમાં સમાધાન કરવા બોલાવ્યા બાદ પૂર્વ પ્રેમિકા હેતલના ભાઈ સંજય મોઢવાડિયા, હેતલનો પતિ રમેશ કેશવાલા અને તેની સાથેના બે અજાણ્યા શખસે ધોકા-પાઈપના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તેમજ મૃતક હિતેષના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક હિતેષ ઉર્ફે હીરેનને અગાઉ રાણાવાવની હેતલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને હેતલના લગ્ન થઈ જતા પ્રેમસંબંધ પૂર્ણ કરી નાખ્યો હતો. બાદમાં હિતેષને હેતલના ભાઈ સંજયે ફોન કરી મળવા બોલાવ્યો હતો અને બોખીરા વિસ્તારમાં મળવાનું નક્કી કર્યું હતું ત્યારે હિતેષ તથા તેનો ભાઈ કરણ અને મિત્ર લાલો બેઠા હતા ત્યારે એક બાઈકમાં સંજય મોઢવાડિયા, રાહુલ ઉર્ફે લીખો અને પૂર્વ પ્રેમિકા હેતલ આવ્યા હતા. બાદમાં હેતલનો પતિ રમેશ કેશવાલા આવ્યો હતો અને બાદમાં ચારેયે હિતેષ ઉર્ફે હીરેન પર ધોકા-પાઈપથી હુમલો કરી નાસી છુટયા હતા અને ચારેય ફરાર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા હિતેષ ઉર્ફે હીરેનને હોસ્પિટલમાં ખસેડાયો હતે. જેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પોલીસે મૃતક હિતેષના ભાઈ કરણ ભના કારાવદરાની ફરિયાદ પરથી સંજય મોઢવાડિયા, રમેશ કેશવાલા, રાહુલ ઉર્ફે લીખો અને હેતલ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક