• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

કપ્તાન રોહિતની ટેસ્ટ કેરિયર અંતના ભણકારા કપ્તાન રોહિત શર્મા ઇલેવનમાં હશે? કોચ ગંભીર ચૂપ

સિડની, તા.2: સતત નિષ્ફળતાને લીધે ટીકાઓ સહન કરી રહેલ ભારતીય કપ્તાન રોહિત શર્માની ટેસ્ટ કેરિયર નિરાશાજનક અંત ભણી આગળ વધી રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે શુક્રવારથી અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થતાં અંતિમ ટેસ્ટની ભારતીય ઇલેવનમાં રોહિતની જગ્યા પાકી નથી. ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે પણ કપ્તાન રોહિત શર્મા રમશે કે નહીં તેની સ્પષ્ટ પુષ્ટિ કરી નથી.

મેચ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં કપ્તાન રોહિતને લઇને કોચ ગંભીરને સવાલ થયો હતો ત્યારે કોચે કહ્યંy કે અમે પીચ જોયા પછી આખરી ઇલેવન પર નિર્ણય લેશું. કપ્તાન રોહિત ઇલેવનમાં હશે ? તેવા સીધા સવાલ પર કોચે હા કે ના એવો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પ ઇનિંગમાં 31 રન જ કરી શકયો છે.

અગાઉ મહેન્દ્રસિંહ ધોની અને અનિલ કુંબલેએ શ્રેણી દરમિયાન ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું. આ જ સિરીઝમાં રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ જાહેર કરી હતી. હવે રોહિત શર્મા આવો નિર્ણય લઇ શકે છે. જો રોહિત શર્મા સિડનીમાં ટોસ ઉછાળવા નહીં આવે તો એવું માની શકાય કે તેણે ગત સપ્તાહમાં એમસીજીમાં તેનો આખરી ટેસ્ટ રમી લીધો. એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે રોહિત શર્માનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. તેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાનો ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી શરમજનક પરાજય થયો હતો અને હવે ઓસ્ટ્રેલિયામાં તેના ખરાબ દેખાવની અસર ટીમ પર જોવા મળી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક