અમેરિકામાં નવા વર્ષે 24 કલાકમાં ત્રણ હુમલાથી ફફડાટ : ન્યૂ યોર્કની ક્લબમાં અંધાધૂંધ ગોળીબારમાં 11ને ગંભીર ઇજા, બંને આરોપી નાસી ગયા : થર્ટી ફર્સ્ટની રાત્રે બેફામ ટ્રક નીચે કચડાઇને જીવ ખોનારાનો આંકડો 15 થયો
વૉશિંગ્ટન,
તા. 2 : અમેરિકા માટે નવા વર્ષની શરૂઆત માઠી રહી છે. નવું વર્ષ 2025 શરૂ થયાના 24 કલાકમાં
જ ત્રણ શહેરોમાં હિંસક હુમલાથી અમેરિકામાં ભયનું વાતાવરણ છે. જો કે ત્રણેય હુમલા વચ્ચે
કોઇ કનેક્શન ન હોવાનું બાયડન પ્રશાસને પ્રાથમિક તારણમાં કહ્યું છે પરંતુ આ આતંકવાદી
હુમલા છે કે એની વચ્ચે કોઇ સમાન કડી છે કે કેમ એની ઝીણવટભરી તપાસ એફબીઆઇ કરી રહ્યું
છે.
થર્ટી
ફર્સ્ટની રાત્રે ન્યૂ ઓર્લિયંસ શહેરમાં બેફામ ટ્રકે ત્રણેક ડઝન લોકોને અડફેટે લીધા
હતા અને બાદમાં ગોળીબાર થયો હતો, જેમાં 11
વ્યક્તિના મૃત્યુ થયા હતા. બીજા દિવસે ન્યૂ યરની રાત્રે કૅસિનોના શહેર લાસ વેગાસમાં
ટ્રમ્પ હૉટેલની સામે ટેસ્લા કારમાં વિસ્ફોટ થયો જેમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું અને
10 લોકોને ઇજા પહોંચી હતી. ગઇ રાત્રે અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂ યોર્કના ક્વિન્સ
એરિયામાં અમેજુરા નાઇટ ક્લબમાં ન્યૂ યર પાર્ટી ચાલતી હતી ત્યારે મધરાતે અચાનક અંધાધૂંધ
ગોળીબારમાં 11 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. હવે પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા
ફૂટેજ ફેંદી રહી છે અને ઘરે ઘરની તલાશી લઇ રહી છે. કેમ કે ગોળીબાર કરનારાઓની કોઇ ભાળ
નથી મળી.
તપાસ
સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોળીબારમાં ઇજાગ્રસ્ત 11 વ્યક્તિને નજીકની
હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ ક્લબે પહોંચી હતી અને સમગ્ર
વિસ્તારને કોર્ટન કરી લીધો હતો. સીસીટીવી કેમેરા ફૂટેજ પરથી ગોળીબારમાં બે જણ સામેલ
હોવાનું સામે આવતા અને આ બંને ફરાર થઇ ગયાનું જણાતા તપાસને નવા રસ્તે વાળવામાં આવી
હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નજીકમાં જ રેલવે સ્ટેશન હોવાથી ગોળીબાર કરનારાઓ નાસી
ગયાની શક્યતાના આધારે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજની પણ તપાસ થઇ રહી છે.
ન્યૂ યોર્ક પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગંભીર છે, સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં
આવી છે અને સ્વાટ એટલે કે સ્પેશ્યલ વેપન્સ એન્ડ ટેક્સિક્સની ટીમ પણ તહેનાત કરાઇ છે.
અધિકારીઓને હજુ સુધી આરોપીઓની ઓળખ નથી મળી અને ગોળીબારીનું કારણ પણ જાણવા નથી મળ્યું.
થર્ટી
ફર્સ્ટની રાત્રે ન્યૂ ઓર્લિયંસની બૉર્બન સ્ટ્રીટમાં બેફામપણે ટ્રક નીચે 11 વ્યક્તિ
કચડાઇ હતી, ઇજાગ્રસ્તોમાંથી ચાર વ્યક્તિના મૃત્યુ થતાં હવે મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો
છે. અમેરિકાના પ્રમુખ જૉ બાયડને આ ઘટના બાદ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ હુમલો
કટ્ટરવાદી સંગઠન આઇએસથી પ્રભાવિત જણાઇ રહ્યો છે. એફબીઆઇના જણાવ્યા પ્રમાણે ટ્રકમાંથી
આઇએસનો ઝંડો મળ્યો હતો અને ટ્રક નીચે લોકોને કચડયા બાદ ગોળીબાર પણ થયો હતો. ટ્રક ડ્રાઇવરની
ઓળખ 42 વર્ષિય શમ્સુદીન જબ્બાર તરીકે થઇ હતી જે ઘટનાસ્થળે જ પોલીસની ગોળીઓનો શિકાર
બન્યો હતો. જબ્બાર વિશે પોલીસે કહ્યું હતું કે ટેક્સાસમાં રહેનારો જબ્બાર સૈનિક રહી
ચૂક્યો છે અને ટ્રકમાંથી કેટલાક હથિયાર પણ મળ્યા છે. આ ઘટનામાં અન્ય કોઇ સામેલ હતું
કે કેમ અને હુમલો શા માટે કર્યો એની તપાસ ચાલી રહી છે.
બાયડને
પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ માહિતી આપી હતી કે આરોપીએ હુમલા પહેલા સોશ્યલ
મીડિયામાં વિડિયો અપલોડ કરીને સંકેત આપ્યો હતો કે એ આઇએસથી પ્રભાવિત છે અને એનો ઇરાદો
જાહેરસ્થળે લોકોની હત્યા કરવાનો છે. બાયડને કહ્યું હતું કે ન્યૂ ઓર્લિયંસ અને લાસ વેગાસની
ઘટના વચ્ચે કોઇ સંબંધ કે કડી નથી. પોલીસે કહ્યું હતું કે ડ્રાઇવર જબ્બારે ઇરાદાપૂર્વક
ટ્રક ભીડ પર બેફામ પણ ચલાવ્યો હતો અને સીટ પર બેસીને જ ગોળીબાર કર્યો હતો. પોલીસની
ગોળીઓથી એ વિંધાયો હતો.
આ ઘટનાના
બીજા દિવસે જ લાસ વેગાસમાં ટ્રમ્પ હૉટેલની બહાર ઉભેલી ટેસ્લા સાઇબરટ્રકમાં ભેદી વિસ્ફોટ
થયો જેમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું અને આસપાસના દસ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. પોલીસના
જણાવ્યા પ્રમાણે પહેલી જાન્યુઆરીના આ ટેસ્લા ટ્રક-કાર હૉટેલની સામે કાચના દરવાજા પાસે
ઉભો રહ્યો કે તુરંત જ એમાંથી ધૂમાડો નીકળ્યો અને ક્ષણવારમાં જ વિસ્ફોટ થયો હતો. આ મામલે
પણ ગંભીર તપાસ ચાલી રહી છે. લાસ વેગાસ અમેરિકાનું કૅસિનો માટે જાણીતું શહેર છે અને
ત્યાં વિદેશી સહેલાણીઓની ભીડ હંમેશા રહે છે.
આ હૉટેલ
અમેરિકાની નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની છે
અને કાર ટ્રમ્પના સમર્થક દુનિયાના ટોચના બિઝનેસમેન ઍલન મસ્કની કંપની ટેસ્લાની છે. મસ્કે
કહ્યું હતું કે ટેસ્લા સાઇબર ટ્રક-કારમાં વિસ્ફોટ અને એ પહેલા ન્યૂ ઓર્લિયંસમાં ટ્રકની
ઘટના વચ્ચે કોઇ સંબંધ નથી એ હાલના તબક્કે કહેવું વહેલુ ગણાશે. ટ્રમ્પ 21મી જાન્યુઆરીના
બીજી વાર અમેરિકાના પ્રમુખ પદનો કારભાર સંભાળવાના છે ત્યારે એમની હૉટેલના દરવાજે એમના
સમર્થક મસ્કની કંપનીની કાર-ટ્રકમાં વિસ્ફોટ માત્ર સંયોગ છે કે કેમ એની તપાસ એફબીઆઇ
કરી રહી છે.