• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

શ્રેણી બચાવવા અને WTC ફાઇનલની આશા જીવંત રાખવાનો ભારત સામે પડકાર

મેચ સવારે 5-00 વાગ્યાથી શરૂ થશે

સિડની, તા.2 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પાંચમા ટેસ્ટમાં કપ્તાન રોહિત શર્મા રમશે કે નહીં ? અને જો નહીં રમે તો શું તેની ટેસ્ટ કેરિયરનો અંત ? આવા કેટલાક સવાલો સાથે ટીમ ઇન્ડિયા શુક્રવારથી શરૂ થતાં ઓસ્ટ્રેલિયા પ્રવાસના આખરી ટેસ્ટ મેચમાં દબાણ વચ્ચે મેદાનમાં ઉતરશે. ત્યારે ટીમ ઇન્ડિયાનું એકમાત્ર લક્ષ્ય જીત સાથે શ્રેણી 2-2થી બરાબર કરી ટ્રોફી જાળવી રાખવાનું હશે. આ ઉપરાંત સિડનીમાં મળતી જીતથી ટીમ ઇન્ડિયાની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની આશા પણ જીવંત રહેશે અને જો હાર મળશે તો ફાઇનલના દ્વાર બંધ થઈ જશે. બીજી તરફ મેલબોર્ન ટેસ્ટની શાનદાર જીતથી ઓસ્ટ્રેલિયા ટીમનું મનોબળ મજબૂત છે અને તેની નજર 8 વર્ષ બાદ ઘરઆંગણે ભારત સામે શ્રેણી કબજે કરવા પર છે. સિડની ટેસ્ટની જીતથી પેટ કમિન્સની ટીમનો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 3-1થી વિજય થશે અને ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પણ લગભગ નિશ્ચિત બની જશે. શુક્રવાર સવારે પ-00 વાગ્યાથી પાંચમા ટેસ્ટનો પ્રારંભ થશે.

ડ્રેસિંગ રૂમમાં મતભેદ અને કપ્તાન રોહિત પર સંન્યાસના દબાણ વચ્ચે ભારતીય ટીમ સિડનીમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે ઇલેવનમાં ઓછામાં ઓછા બે ફેરફાર નિશ્ચિત છે. આકાશદીપ ઇજાને લીધે રમવાનો નથી. તેનાં સ્થાને હર્ષિત રાણાને તક મળી શકે છે. જ્યારે શુભમન ગિલની વાપસી નિશ્ચિત મનાઈ રહી છે. તેના માટે ખુદ કપ્તાન રોહિત શર્મા જગ્યા ખાલી કરશે અને પોતાની ટેસ્ટ કેરિયર પર પૂર્ણવિરામ મૂકશે એવા રિપોર્ટ છે. રોહિતની અનુપસ્થિતિમાં યશસ્વી જયસ્વાલ સાથે ફરી કે એલ રાહુલ ભારતના દાવનો પ્રારંભ કરશે.

ભારતને ફરી એકવાર તેના સ્ટાર બેટર વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા બની રહેશે. તે પર્થ ટેસ્ટના બીજા દાવની સદી સિવાય સતત નિષ્ફળતા સહન કરી રહ્યો છે. સિડની ટેસ્ટના તેના ખરાબ દેખાવ અને જો ટીમને હાર થશે તો વિરાટ માટે ટેસ્ટ કેરિયર બચાવવી કઠીન બની જશે. ઋષભ પંતનાં સ્થાને ધ્રુવ જુરેલનો સમાવેશ કરવાની પણ સંભાવના છે. સિડનીની પીચ સ્પિન બોલરોને મદદગાર રહી છે. આથી ભારતીય ઇલેવનમાં બે સ્પિનર તરીકે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર જળવાઈ રહેશે.

બુમરાહ 30 વિકેટ ઝડપી ખુદ માટે આ શ્રેણી યાદગાર બનાવી ચૂક્યો છે. સિડનીમાં પણ તે કાંગારુ બેટધરો સામે કેર વર્તાવવા બેતાબ છે. તેને સિરાજે સારો સાથ આપવો જરૂરી છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમ મેલબોર્ન ટેસ્ટની જીતથી માનસિક રીતે વધુ મજબૂત બની છે. તેની ટીમમાં નવોદિત ઓલરાઉન્ડર વેબસ્ટરનો સમાવેશ કરાયો છે. ટીમ માટે સારી વાત એ છે કે અનુભવી ફાસ્ટ બોલર સ્ટાર્ક ફિટ છે અને સિડની ટેસ્ટ રમવાનો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક