પાંચમા
ટેસ્ટ માટે બેટિંગ ઓર્ડર વધારે મજબૂત કરવા માટે કવાયત સંભવ
નવી
દિલ્હી, તા. 1 : રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેના પાંચમા અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય
ટીમનાં સર્વોત્તમ હિતમાં અમુક વિકલ્પને પસંદ કરવા પડશે. બોક્સિંગ ડે ટેસ્ટમાં 184 રનની
હાર બાદ ભારત નિર્ણાયક મુકાબલા પહેલાં 1-2થી પાછળ છે તેમજ ભારતીય કેપ્ટને સિડની ક્રિકેટ
ગ્રાઉન્ડ ઉપર પોતાના છ સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો સાથે ઉતરવું પડશે. જેનાથી મેલબર્નમાં
બહાર કરવામાં આવેલા શુભમન ગિલને ઇલેવનમાં સામેલ કરવાનો રસ્તો સાફ થઈ જશે.
2024માં
ટેસ્ટ ક્રિકેટમાં 866 રન સાથે ગિલ એક વર્ષમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધારે રન કરનારા
ખેલાડીની યાદીમાં યશસ્વી જયસ્વાલ બાદ બીજા નંબરે છે. રોહિતે કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટે
ગિલને મેલબર્નમાં બહાર કરવાના કારણોની જાણકારી આપી હતી. ઇલેવનમાં સારું સંતુલન સુનિશ્ચિત
કરવા તેને બહાર કરવામાં આવ્યો હતો કારણ કે વોશિંગ્ટન સુંદરની બોલિંગની વધારે ફાયદો
મળવાની આશા હતી.
હવે
સવાલ એવો ઉભો થયો છે કે, રોહિત સિડની મેચમાં ગિલનો સમાવેશ કેવી રીતે કરશે. વોશિંગ્ટન
સુંદરે 50 રન કરીને પોતાની ઉપયોગીતા સાબિત કરી છે અને નીતિશ કુમાર રેડ્ડી સાથે નોંધપાત્ર
ભાગીદારી પણ કરી હતી. સિડની ગ્રાઉન્ડમાં મેચ આગળ વધતા સ્પિનરોને મદદ મળે છે. તેવામાં
વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયનમાંથી એકનું જાડેજા સાથે રમવું લગભગ નક્કી છે. કદાચ મોહમ્મદ
સિરાજ કે આકાશદીપ બેમાંથી એકને બહાર કરીને પણ ગિલને સામેલ કરવામાં આવી શકે છે.