• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

માખિયાળાના ગોડાઉનમાં SMCનો દરોડો : 10 લાખનો દારૂ ઝડપાયો જૂનાગઢના બે બુટલેગર સહિત ચાર સામે ફરિયાદ

જૂનાગઢ, તા.ર: જૂનાગઢ નજીકના માખિયાળાની સીમમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.સી.)એ બાતમીના આધારે એક ગોડાઉનમાં દરોડો પાડી રૂ.10.11 લાખની કિંમતનો 1799 બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈ, જૂનાગઢના બે બુટલેગર સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માખિયાળાની સીમમાં આવેલા એ-વન ઇન્ડસ્ટ્રિયલ ઝોનના ગેઇટ નં.3ની બાજુમાં આવાલ ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ. એ. વી. પટેલ તથા સ્ટાફે જૂનાગઢ પોલીસને અંધારામાં રાખી દરોડો પાડયો હતો.

આ બંધ ગોડાઉનનાં તાળાં ખોલી તપાસ કરતાં તેમાંથી રૂ.10,11,014ની કિંમતનો 1799 બોટલ દારૂ તથા બિયરનાં ટિનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ ગોડાઉન જૂનાગઢના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વંદન સુદામા પાર્કમાં રહેતા અશ્વિન સામત રાવલિયા નામના શખસે ભાડે રાખ્યું હતું. દારૂના જથ્થા અંગે તપાસ કરતા જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા લખન મેરૂભાઈ ચાવડા, અભા ઉર્ફે જયેશ મેરૂભાઈ ચાવડા, ગોડાઉન ભાડે રાખનાર અશ્વિન સામત રાવલિયા અને દારૂનો જથ્થો મોકલનાર સામે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢની ભાગોળે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી.એ દરોડો પાડી, દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા સ્થાનિક પોલીસ મુંઝવણમાં મુકાઈ છે. તાલુકા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. જેવી બ્રાંચો પણ ઉંઘતી ઝડપાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક