યુરોપીય દેશોમાં ગેસ પહોંચાડવાની લાઇન
માટેનો કરાર રદ કરી નાખ્યો : યુક્રેન આસપાસ ઠંડા પ્રદેશમાં ભારે હાલાકી
નવીદિલ્હી,
તા.1: નવા વર્ષના પહેલા દિવસે જ યુક્રેને રશિયાને જોરદાર આર્થિક ફટકો માર્યો છે. યુક્રેને
પ0થી વધુ વર્ષથી સ્થાપિત રશિયાનું ઊર્જા સામ્રાજ્ય ધ્વસ્ત કરી નાખ્યું છે. છેલ્લાં
ત્રણ વર્ષથી રશિયા સામે જંગ ખેલી રહેલા યુક્રેને સોવિયત યુગની ગેસ પાઇપલાઇનો માટે ટ્રાંઝિટ
સમજૂતીમાં આગળ વધવાનો ઈન્કાર કરી દીધો છે. જેના હિસાબે યુરોપના અનેક દેશોમાં રશિયાના
ગેસનો પુરવઠો અવરોધાઈ ગયો છે. આ સાથે જ યુરોપના ઊર્જા બજારમાં રશિયાના ગેસનું વર્ચસ્વ
પણ ખતમ થઈ ગયું છે. આ એક પગલાંથી યુક્રેનને તો 800 મિલિયન ડોલરનું નુકસાર થયું છે પણ
સામે છેડે રશિયાને પ અબજ ડોલરનો તોતિંગ આંચકો લાગ્યો છે.
રશિયા
અને યુક્રેન વચ્ચે ચાલતી જંગ છતાં આ પાઇપલાઇન મારફત યુરોપના પ્રદેશમાં રશિયાના ગેસનો
પુરવઠો જારી રહ્યો હતો. રશિયાની ગેસ કંપની ગેઝપ્રોમે કહ્યું છે કે, આ સમજૂતી ખતમ કરી
દેવામાં આવતાં 1 જાન્યુઆરીની સવારે પ વાગ્યાથી ગેસનો પુરવઠો ઠપ થઈ ગયો છે. પુરવઠો ખોરવાતા
સવારે યુક્રેનના પાડોશી દેશ મોલ્દોવાથી અલગ થઈને રશિયા સમર્થક ક્ષેત્ર ટ્રાન્સનિસ્ટ્રિયા
ઉપર આની વ્યાપક અસરો જોવા મળી હતી. બર્ફિલા અને ઠંડા પ્રદેશમાં લોકોનાં ઘરોમાં પાણી
ગરમ કરવાની સિસ્ટમ જ ખોરવાઈ હતી અને લોકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડયો હતો. જો
કે યુરોપના અન્ય મોટા દેશોને આનાથી કોઈ વધુ પરેશાની એટલા માટે નથી થઈ કારણ કે તેમણે
વૈકલ્પિક વ્યવસ્થાની આગોતરી તૈયારી કરી રાખી હતી. સ્લોવાકિયા, ઓસ્ટ્રિયા અને હંગરી
જેવા દેશોને ગેસ પુરવઠો મળતો રહેશે કારણ કે તેની પાઇપલાઇન કાળા સમુદ્રમાંથી પસાર થાય
છે.
રશિયા
અને યુક્રેનનું યુદ્ધ છેડાવા સાથે જ યુરોપીય સંઘે નોર્વેથી પાઇપ્ડ ગેસ, કતાર અને અમેરિકા
પાસેથી એલએનજી ખરીદીને રશિયા ઉપરથી પોતાની નિર્ભરતા ઘટાડી નાખી હતી.