• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

સોરઠમાં બુટલેગરો-પોલીસની સાંઠગાંઠ ખુલ્લી પાડતો જિલ્લા પોલીસવડાનો પત્ર સ્થાનિક સ્કવોડ, ડીવાય.એસ.પી.ને જાણ કરવા છતાં પરિણામ શૂન્ય

જૂનાગઢ, તા.ર: ગુજરાત પોલીસ અસામાજીક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના દાવા કરે છે પણ દારૂ દરેક ગામ, શહેરોમાં વેંચાય છે. આ અંગે ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા પોલીસવડાએ બુટલેગરો અને અસામાજીક તત્વો સાથે પોલીસની સાંઠગાંઠનો સ્વીકાર કરતો પત્ર આજથી નવ માસ પહેલા લખેલ તે વાઈરલ થતા પોલીસબેડામાં હલચલ મચી ગઈ છે.

જિલ્લા પોલીસવડાની ફરજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવાની હોય છે તે પ્રમાણે ફરજ બજાવતા હોય પણ, નીચેની ટીમ સહમત ન હોય તો પરિણામ મળતું નથી અને સ્ટેટ મોનિટરીંગ સેલ સફળ દરોડા પાડે છે તેમાં બદનામ જિલ્લા પોલીસવડા બને છે. આ સ્થિતિ જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તે છે.

જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતાએ પોતાના ફરજકામ દરમિયાન જિલ્લાની પોલીસની કાર્યપદ્ધતિ જોઈ આજથી નવ માસ પહેલા જિલ્લા પોલીસ અધિકારીઓને એક પત્ર દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ બંધ કરવા સૂચના અપાઈ હતી. ત્યાર બાદ પણ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી તેમાં બાંટવા, કેશોદ, જૂનાગઢ તાલુકા, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢનાં ‘બી’ ડિવિઝનનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.

પરંતુ આ પત્રની ડી.વાય.એસ.પી.ઓ., પી.આઈ.ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી.માં બે અસર રહેતા એસ.એમ.સી.નાં સફળ દરોડા રહ્યા હતા. પોલીસવડાએ પોતાના પત્રમાં બુટલેગરો-પોલીસની સાંઠગાંઠનો સ્વીકાર કરાયા પછી કોઈ અસર થઈ નથી. તેની પ્રતિતિરૂપ માખિયાણામાં એસ.એમ.સી.એ દરોડો પાડયો છે.

જિલ્લા પોલીસવડાએ વિભાગના સત્તાવાળાઓને લખેલો ખાનગીપત્ર વાઈરલ થતા, પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી છે અને પોલીસની પ્રતિષ્ઠાના ધજાગરા થયા છે ત્યારે આગામી સમયમાં સરકાર આકરા નિર્ણય કરે તો નવાઈ નહીં.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક