રાજકોટ, તા.30 : કુવાડવા હાઈવે
પરના કુચિયાદડ ગામના પાટિયા પાસે આવેલી હોટલના મેદાનમાં યંત્ર ઉપર જુગાર કલબ ચાલતી
હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ-મહત્ત્વની બ્રાંચોને ઉંઘતી રાખી ગાંધીનગરથી એસએમસીના
સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે એક સગીર સહિત નવ શખસને ઝડપી લઈ રોકડ,
બે કાર સહિત રૂ.1ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે જુગાર કલબનો સંચાલક ફરાર
થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કુચિયાદડના
પાટિયા પાસે આવેલી ઈન્ડિયા પેલેસ હોટલના મેદાનમાં ઘણા સમયથી યંત્ર પર જુગાર કલબ ચલાવવામાં
આવતી હોવાની બાતમીના આધારે એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામળિયાના માર્ગદર્શન હેઠળ ફોજદાર
કે.એચ. જનકાત તથા સ્ટાફે દરોડો પાડયો હતો અને અમદાવાદના અંબિકાનગરમાં રહેતા અને જુગાર
કલબ ચલાવતા ભાવેશ રાધાકાંત ઝા, અખીલેશ સાઢીપાલસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ રામધ્યાનસિંહ
રાઠોડ, જનક કાળુ વિક્રમા, જુગાર કલબનો સંચાલક ફાડદંગનો ઉમેદ બાબભાઈ ખાચર, જયદીપ ઘુઘા
ખાચર, સરાફખાન ઉર્ફે મુન્ના હનીફખાન પઠાણ, ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા કનક ખાચર અને રવિ
ઉમેદ વિક્રમા અને એક સગીરને ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન રૂ.18,3પપની રોકડ,
11 મોબાઈલ, બે કાર સહિત રૂ.1ર.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો. આ જુગાર કલબનો મુખ્ય
સંચાલક કુવાડવાનો ઈરફાન દિવાન હોવાનું ખુલ્યું હતું અને ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી
હતી. સ્થાનિક પોલીસ અને મહત્ત્વની બ્રાંચોને ઉંઘતી રાખી એસએમસીએ જુગાર કલબ ઝડપી લેતા
અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં નાના કર્મચારીઓ સામે સસ્પેન્શન અને બદલી
સહિતના પગલા ભરવામાં આવશે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.