સુરત, તા.ર3 : સુરતમાં એક ચોંકાવનારી
ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક વર્ષની બહેન રડતી હોય શાંત નહીં થતાં માસિયાઈ સગીરભાઈએ
માસૂમ ફૂલનું ગળું દબાવી દઈ કાયમને માટે શાંત કરી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
ગળા પર નિશાન જોવા મળતા બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે હત્યારા
માસિયાઈભાઈ સગીર ભાઈ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, નાનપુરા
બારાહજારી વિસ્તારમાં રહેતા એક પરિવારની એક વર્ષની બાળકી રડતી હતી ત્યારે માસિયાઈ સગીરભાઈએ
બહેનને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માસૂમ બાળકી શાંત નહીં થતાં માસિયાઈ ભાઈએ
બહેનનું ગળું અને મોઢું દબાવી દેતા શ્વાસ રુંધાઈ જવાથી બેભાન થઈ ગઈ હતી અને બાળકી રડતી
બંધ થઈ જતાં માસિયાઈ ભાઈએ બાળકીની માતાને બોલાવી હતી અને માતાએ બાળકીને પાણી પીવડાવવાનો
પ્રયાસ કર્યે હતો પરંતુ બાળકી ભાનમાં નહીં આવતા તાકીદે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં
ફરજ પરના તબીબે મૃતક જાહેર કરીહતી.
દરમિયાન તબીબનાં ધ્યાનમાં બાળકીના
ગળા પર નિશાન જોવા મળતા બનાવ હત્યાનો હોવાનું ખૂલ્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસ
સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો અને પીએમ રિપોર્ટમાં
બાળકીનું ગળું દબાવવાથી મૃત્યુ નીપજ્યાનું ખૂલ્યું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક
બાળકીનાં માતા-પિતા નોકરીએ ગયાં હતાં અને બન્ને બાળક ઘેર એકલાં હતાં. પોલીસે હત્યારા
ભાઈ વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો નોંધવાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.