યુવતીને
ભગાડી ગયાની ઘટનામાં સમાધાન કરવા ગયા’તા : એકની હાલત ગંભીર
તળાજા,
તા.21: તળાજાના દેવળી ગામે યુવતી ભગાડી જવાની બાબતે સમાધાન કરવા ગયેલા ચાર લોકો ઉપર
યુવાનના પરિવારના ચાર ઇસમો હથિયારો લઇ તૂટી પડયા હતા. આ ઘટનામાં ચારને ઇજા થઇ હતી.
જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
તળાજા
પો.ઇ.એ.બી. ગોહિલ પાસેથી મળતી વિગતો મુજબ દેવગાણા ગામના જાણીતા ઇસમ નરેશ નંદરામભાઇ
જાળેલા ઉર્ફે લતીફ, મૂળ જેસર ગામનો પણ હાલ દેવગાણા ગામે રહેતા રફીક જિકરભાઇ જાગીયા,
મૂળ રાળગોના અને હાલ ટીમાણા રહેતા પ્રદીપ જેન્તીભાઇ લાધવા, ઠાડચના સંજય નટવરલાલ જાળેલા
ગઇકાલ રાત્રીના બારેક વાગ્યાના સમયે તળાજાના દેવલી ગામેની યુવતીએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા
બાદ થોડા દિવસો ગામના યુવક સાથે ભાગી ગયાના મામલે સમાધાન માટે ગયા હતા. તે સમયે વાત
વણસતા સમાધાન માટે આવેલા ચારેય ઇસમો પર તીક્ષ્ણ હથિયારો લઇ ચાર શખસે હુમલો કર્યો હતો.
જેમાં ચારેય ઇજાગ્રસ્ત યુવાનો લોહી નિતરતી હાલતે પોતે જે કાર લઇને આવ્યા હતા તે કારમાં
તળાજા તરફ ભાગી છૂટયા હતા. ગોરખી ગામ નજીક રસ્તામાં 108 મળતા ત્રણ ઇજાગ્રસ્ત તેમાં
અને અન્ય એક ખાનગી વાહનમાં તળાજા સ્થિત સદવિચાર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં નરેશ
જાળેલાની નાજુક જણાતા તેઓને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. બાકીના ત્રણેયને
પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
બનાવના
પગલે પો.ઇ.એ.બી. ગોહિલે ઇજાગ્રસ્ત પ્રદીપ લાધવાની ફરિયાદ નોંધી છે. જેમાં હુમલો કરનાર આરોપીઓ પંડયા પરિવારના કનુ પોપટ,
નિલેશ પોપટ, મહેશ પોપટ અને પ્રવિણ ગોવિંદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસે
વધુમાં જણાવ્યું હતું કે, હુમલો કરી ચારેય શખસ ફરાર થઇ ગયા છે. તેઓને પણ કોઇ ઇજાઓ થઇ
છે કે કેમ તે બાબતે કોઇ જાણવી નથી. એફ.એસ.એલ.ને બોલાવી પંચનામુ કરવામાં આવશે. ગંભીર
ઇજા થનાર નરેશની હાલત સારવાર બાદ સારી હોવાની અને આઇસીયુમાં દાખલ હોવાનું જાણવા મળેલું
છે.