• શનિવાર, 26 એપ્રિલ, 2025

સઈદેવળિયા ગામે ખેતીની આડમાં કરેલા ગાંજાનું વાવેતર ડ્રોન સર્વેલન્સથી ઝડપાયું

પોલીસે કુલ 9.456 કિ.ગ્રા. ગાંજા સાથે રૂ.94560નો મુદ્દામાલ કબજે કરી બે શખસ વિરુદ્ધ કાર્યવાહી કરી

ખંભાળિયા, તા.27 : દ્વારકા એસઓજી સ્ટાફે ગઈકાલે મળેલી બાતમીના આધારે ભાણવડના સઈદેવળિયા ગામે આરોપી ધનજી લખમણ ગાજરોતરની જગ્યાનું ડ્રોનની મદદથી સર્વેલન્સ કરી ખેતીની આડમાં કરેલું ગાંજાનું વાવેતર શોધી કાઢ્યું હતું. બાદમાં ગાંજાના છોડની વાવેતરની જગ્યાએ પહોંચી ગાંજાના 11 છોડ જેનો કુલ વજન 8.646 કિ.ગ્રા. અને રૂ.86,460 તથા સૂકા ગાંજાનો કુલ વજન 140 ગ્રામ રૂ.1400ના મુદ્દામાલ સાથે પોલીસે ધનજી લખમણ ગાજરોતરને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

વધુ તપાસ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે સઈદેવળિયા ગામની વાડી વિસ્તારમાં આરોપી હિતેષ ઉર્ફે ભાયા હમીર પરબત ગોહિલની ખેતીની જમીનમાં પણ ગાંજાના છોડનું વાવેતર કરેલું તથા ગાંજો સૂકવીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું ઝડપી લીધું હતુ. પોલીસે ગાંજાના કુલ 6 છોડ જેનો વજન 581 ગ્રામ રૂ.5810 તથા સૂકો ગાંજો 89 ગ્રામ રૂ.890 મળી બન્ને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ બન્ને સ્થળેથી ગાંજાના કુલ 17 છોડ જેનો વજન 9.227 કિ.ગ્રા. અને રૂ. 92,227 તથા સૂકો ગાંજો 229 ગ્રામ રૂ.2290 મળી કુલ 9.456 કિ.ગ્રા. મળી કુલ રૂ.94560નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક