• સોમવાર, 16 જૂન, 2025

સીમાણી ગામના મૂકબધિર યુવાન સાથે 44 લાખની છેતરપિંડી મુંબઇની મૂકબધિર મહિલાએ જાળ બિછાવી : 3 કરોડ આપશે તેમ કહી રૂપિયા પડાવ્યા

પોરબંદર, તા.14 : પોરબંદરના સીમાણી ગામના  વાડીવિસ્તારના મૂકબધીર યુવાનને મુંબઇની એક મહિલાએ વર્ષ 2020ની સાલમાં અમેરિકામાંથી એ.ટી.એમ. કાર્ડ વેલ્યૂ તરીકે 25 કરોડ અમેરિકન ડોલરનું ઇનામ તેને લાગ્યુ છે તેમ જણાવીને ઇનામની રકમ છૂટી કરવા માટે મદદરૂપ બનશે તો 3 કરોડ રૂપિયા ચુકવવામાં આવશે તેમ જણાવી વિશ્વાસમાં લઇને આ યુવાન પાસેથી રૂ. 44 લાખથી વધુની રકમ મેળવીને મુંબઇની મહિલાએ છેતરપિંડી કરતા ભોગ બનનારના ભાઇ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

મૂળ પોરબંદરના સીમાણી ગામે વાડીવિસ્તારમાં રહેતા અને જામનગરની શ્રી એ.કે.દોષી મહિલા કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કાના રણમલભાઇ ઓડેદરા નામના 31 વર્ષના યુવાને બગવદર પોલીસમથકમાં એવો ગુનો નોંધાવ્યો છે કે તેના મોટાભાઇ રાજાભાઇ કે જે જન્મથી મૂકબધિર છે અને સાંકેતિક  ભાષા દ્વારા તેના વ્યવહાર કરે છે. આથી  વર્ષ 2020ની સાલમાં રાજાભાઇએ વોટસએપમાં એક મહિલાનો ફોટોગ્રાફ ફરિયાદી કાનાને બતાવ્યો હતો અને એવુ જણાવ્યુ હતુ કે મુંબઇની પ્રતિભા જગદીશ નામની આ મહિલાએ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પરમીટ, લેટર ઓફ ગેરેન્ટી, અપ્રુવલ લેટર, સી.બી.આઇ.નું ગેરંટી સર્ટિફિકેટ વગેરે મોકલીને સાંકેતિક ભાષામાં એવી વાત કરી હતી કે એ પ્રતિભા જગદીશને યુ.એસ.એ. માંથી એ.ટી.એમ. કાર્ડ વેલ્યુ તરીકે 25 કરોડ અમેરિકન ડોલરનું ઇનામ લાગ્યુ છે અને એ ઇનામની રકમ રીલીઝ કરવા માટે  તેને રૂપિયાની જરૂર છે.

આથી રાજાભાઇએ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી 4 લાખ 83 હજાર 700 રૂ. અને ત્યારબાદ તેમના મિત્રો પાસેથી રૂ.39 લાખ 28 હજાર 700 હાથ ઉછીના મેળવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ મારફત મુંબઇની પ્રતિભા જગદીશના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પ્રતિભાએ થોડા સમયમાં ઇનામની રકમ મળશે એટલે 3 કરોડ રૂપિયા આપી દેશે તેવી વાત કરી હતી. અંતે ફોડ થયાનું જણાત મૂકબધીર રાજાભાઇ હતાશ થઇ ગયા હતા. 

ત્યારબાદ પણ પ્રતિભા સતત રાજા સાથે સંપર્કમાં હતી અને રૂપિયા આપી દેશે તેવી ખાત્રી આપતી હતી પરંતુ અંતે રાજાને થયુ કે હવે પૈસા પરત મળશે નહી અને પ્રતિભા કાનાભાઇએ પ્રતિભા જગદીશ સામે છેતરપીંડીનો ગુનો  નોંધાવીને રાજાભાઇના 4 લાખ 83 હજાર 700 અને તેના મિત્ર પાસેથી હાથઉછીના મેળવેલ 39 લાખ 28 હજાર 700 મળી કુલ 44લાખ 12 હજાર 400ની છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક