• શનિવાર, 14 જૂન, 2025

સુરતમાં વેપારીઓએ બે મજૂરને ચોરીની શંકાએ નિર્વસ્ત્ર કરી માર માર્યો

સુરત, તા.13: સુરતમાં રીંગરોડ પર આવેલી અનમોલ ટેક્ષટાઈલ માર્કેટમાં ચોરીની શંકાએ બે યુવકોને નગ્ન કરી લાકડી વડે બેફામ માર મારવાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. મજુરોને માર મારનાર ત્રણ વેપારી સહિત ચાર જણા વિરુદ્ધ સલાબતપુરા પોલીસે મારા-મારી તેમજ એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી બે વેપારીની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.

મુળ મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના શીરપુરનો વતની જીતુ ઇશ્વર વાઘ(ઉ.32) છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે જીતુ વાઘ તેના મિત્ર રાજ ઉર્ફે સોન્ટીયા સાથે કાપડ માર્કેટમાં મજુરીકામ શોધવા માટે રઘુકુળ માર્કેટની બાજુમાં આવેલી અનમોલ ટેક્ષટાઇલ માર્કેટની દુકાન નં.210 શ્રી ઢોલીસતી ટેક્ષટાઇલ નામની દુકાન પાસે ઉભો હતો ત્યારે દુકાનના વેપારી વૈભવકુમાર ભાલોટીયાએ જીતુ વાઘના મિત્ર રાજ ઉર્ફે સોન્ટીયાને ચોરીની આશંકાએ લાકડીથી માર મારતા ફ્રેક્ચર થઈ ગયું હતું. ચોરીની આશંકા રાખીને વૈભવકુમાર ભાલોટીયા તેમજ નિતીશકુમાર કેટીયા, રવી જયપુરીયા તેમજ એક અજાણ્યા મળી ચોરીનો આરોપ મુકી જીતુ વાઘ તેમજ તેના મિત્રને અર્ધનગ્ન કરી માર મારી તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ બાબતનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

વિડીયો વાયરલ થતા સલાબતપુરા પોલીસ એકશનમાં આવી હતી. જાતે ગુનો નોંધી પિડીતોના ઘરે જઈ પૂછપરછ કરી જીતુ વાઘની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી બે આરોપી વૈભવકુમાર ભાલોટીયા અને નિતીશકુમાર કેટીયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક