• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

જેતપુરમાં રાજાણી ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસમાંથી રૂ.1.40 લાખની ચોરી

લોખંડની ગ્રીલ તોડી ત્રાટકેલો તસ્કર ઈઈઝટમાં કેદ, દસ દિવસ સુધી આંતરિક તપાસ બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જેતપુર, તા.12 : રાજકોટ-જુનાગઢ નેશનલ હાઇવે પર નવી સાંકળી ગામ પાસે આવેલી રાજાણી ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસમાં રાત્રે ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગત તા.2 નવેમ્બરની વહેલી સવારે કોઇ અજાણ્યો તસ્કર ઓફિસની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યો હતો અને ટેબલના ડ્રોઅરમાં રાખેલા રૂ.1,40,000ની રોકડ રકમ ચોરીને ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે કંપનીના સંચાલકે દસ દિવસની આંતરિક તપાસ બાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેતપુર તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જુનાગઢના શ્રીનાથનગરમાં રહેતા રાજભાઈ ભરતભાઈ રાજાણી(ઉ.વ.29) નવી સાંકળી સ્થિત રાજાણી ગૃપ ઓફ કંપનીઝમાં ભાગ્યોદય ટ્રાડિંગ પ્રા.લી. નામની ટ્રાન્સપોર્ટ પેઢી સંભાળે છે. તેઓ પોતાની પેઢીના 14 જેટલા માલવાહક વાહનોના ડ્રાઇવરોને બહારગામ જવાના ખર્ચ પેટે આપવા માટે ઓફિસમાં રોકડ રકમ રાખતા હોય છે. આ માટે તેમણે ઓક્ટોબર માસમાં અલગ અલગ તારીખે બેંકમાંથી કુલ રૂ.3,00,000 ઉપાડયા હતા. તા.2/11ના રોજ રવિવાર અને ફરિયાદીના ઘરે પ્રસંગ હોવાથી તેઓ ઓફિસે ગયા ન હતા. ત્યારબાદ તા.4/11ના રોજ તેઓ ઓફિસમાં હાજર હતા, ત્યારે સાંજના સમયે અકસ્માતે તેમનો પગ ટેબલના ખાનાને લાગતા તે ખુલી ગયું હતું, જે તેઓ સામાન્ય રીતે લોક રાખતા હતા. ખાનામાં જોતા, ડ્રાઇવરોને આપવા માટે રાખેલ આશરે રૂ.1,40,000ની રોકડ રકમ ગાયબ જણાઈ હતી. આ બાબતે ઓફિસ સ્ટાફને પૂછપરછ કરવા છતાં પૈસાની કોઈ ભાળ ન મળતા, રાજભાઈએ તેમના કાકા ધર્મેન્દ્રભાઇ તથા અન્ય કુટુંબી ભાઈઓ સાથે મળી ઓફિસના સીસીટીવી ચેક કર્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે તા.2/11ની રાત્રે 2:17થી 2:53 વાગ્યાના અરસામાં એક અજાણ્યો ઇસમ ઓફિસની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યો હતો અને ટેબલના ખાનામાંથી આ રોકડ રકમ ચોરી કરી લઇ ગયો હતો. કંપનીના સંચાલકોએ આઠ દિવસ સુધી પોતાના સ્ટાફની આંતરિક પૂછપરછ અને તપાસ કરી હતી. જોકે, ચોરનો કોઈ પત્તો ન લાગતા, આખરે આજે રાજભાઈ રાજાણીએ જેતપુર તાલુકા પોલીસ મથકે રૂબરૂ હાજર થઇ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક