• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ભાવનગર : યુવકને માર મારવાના મુદ્દે પીએસઆઇ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ

ભાવનગર, તા.28: રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સામે ખુંટવડા પોલીસ મથકમાં ઢોર માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ, પોતાના જ પોલીસ મથકમાં પોલીસકર્મીઓ આરોપી બની ગયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.21ના રાત્રિના જાહેર રસ્તા પર અડચણરૂપ ભેંસો ચલાવવા મુદ્દે ખુંટવડાના યુવકને ભેંસો સાઈડમાં લેવાનું કહેતા યુવકે ખુંટવડા પીએસઆઈ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યા અંગેની અને ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ ખુંટવડા પીએસઆઈ યાદવે ભાવેશ રાઘવભાઈ ચોસલા વિરુદ્ધ નોંધાવી હતી. જે બાદ ગત રોજ આ મુદ્દે યુવકે પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. મહુવાના મોટા ખુંટવડા ખાતે રહેતા ભાવેશભાઈ રાઘવભાઈ ચોસલાએ ખુંટવડા પોલીસ મથકમાં પીએસઆઈ આર.જે.યાદવ, જસકુભાઈ કામળીયા, જીઆરડી જવાન નાગજીભાઈ અને 112માં આવેલા જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.21ના રોજ સાંજે તેઓ વાડીએથી ભેંસો લઈને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બોરડી તથા ખુંટવડાની વચ્ચે રોજકી નદીના નાળા પર ભેંસો લઈને પહોંચ્યા ત્યારે પાછળથી ખુંટવડા પીએસઆઈ પાછળથી સરકારી જીપ લઈને આવતા હતા અને તેમણે નીચે ઉતરીને ભેંસો સાઈડમાં લેવાનું કહી ખીજાવા લાગ્યા, આ વખતે રસ્તો સાંકડો હોય ભેંસો સાઈડમાં જઈ શકે તેમ નહી હોવાથી પહોળો રસ્તો આવે ભેંસો હાકી લવ તેમ કહેતા ઉગ્ર થઈ પીએસઆઈ યાદવ, જસકુભાઈ અને જીઆરડી જવાન નાગજીભાઈએ તેમને માર મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં 112 ગાડીમાં આવેલા જાડેજા સાહેબે તેમને માર મારી ધમકી આપી હતી. આ અંગે ખુંટવડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક