• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

મોરબીમાં જમીન દલાલની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો : 7 શખસ સામે ફરિયાદ

જમીનનાં પૈસાની લેતી દેતી મામલે લાલબાગથી અપહરણ કરી ભડીયાદના ફાર્મ હાઉસમાં માર મારી હત્યા કરવામાં આવી

મોરબી તા.26: મોરબીમાં સપ્તાહ પૂર્વે ગુમ થયેલા મુસ્લિમ આધેડની હત્યા કરી મૃતદેહ સળગાવી ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો જે મૃતદેહ બહાર કાઢી પોલીસે હત્યાના બનાવ મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરામાં રહેતા તાજમહમદ ભટ્ટી નામના આધેડ ગત તા. 19 ના રોજ ગુમ થયો હતો. ગુમ થયા બાદ કોઈ ભાળ મળી ના હતી અને આજે આધેડની હત્યા થયાનું સામે આવ્યું છે. જેમાં સેવા સદન પાસેથી કારમાં બેસાડી લઇ ગયા બાદ ભડિયાદ ગામ નજીક મારકૂટ કરવામા આવી હતી અને હત્યા કર્યા બાદ પીપળી રોડ પર આવેલા કારખાનામાં મોટો ખાડો કરી એમાં મૃતદેહ રાખી લાકડા અને ડીઝલ વડે સળગાવી દીધો હતો એટલું જ નહિ બાદમાં ઉપર સિમેન્ટ ધાબુ કરી નાખવામાં આવ્યું હતું.

હત્યાના બનાવ અંગે ડીવાયએસપી આલે જણાવ્યું હતું કે ગત તા. 19 ના રોજ તાજમહમદ ભટ્ટી જે જમીન લે વેચ કામ કરતા હતા તેને સેવા સદન પાસેથી બાલા થોભણ નામના વ્યક્તિ તેની ગાડીમાં બેસાડી લઇ ગયા હતા દસ્તાવેજ બાબતનો ડખ્ખો હોવાથી શકદાર તેને ભડિયાદ લઇ જઈને મારકૂટ કરી હતી. બાદમાં હત્યા કરી પીપળી રોડ પર  કારખાનાના ગ્રાઉન્ડમાં ખાડો કરી મૃતદેહ સળગાવી દાટી દીધો હતો. જેથી એફએસએલ, મામલતદાર અને ડોક્ટર ટીમોને સથે રાખી સ્થળ પરથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે મિયાણા સમાજ પ્રમુખ અકબર મોવરે જણાવ્યું હતું કે હત્યાના બનાવમાં આરોપીઓને કડક સજા ન મળે અને સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવામાં આવે. મોરબીના વિસીપરામાં રહેતા રીયાઝ તાજમહમદ ભટ્ટીએ આરોપીઓ બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડીયા, ભાવેશ થોભણભાઈ અઘારા, જયદીપ કાનાભાઈ સેરશીયાઅને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક