• શનિવાર, 21 માર્ચ, 2026

પોરબંદર મ્યુલ એકાઉન્ટ દ્વારા લાખોના ટ્રાન્ઝેક્શનમાં વધુ એક ઝડપાયો

પોરબંદર, તા.20 :   ગુજરાત સરકાર દ્વારા સાયબર ફ્રોડ રોકવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. મ્યુલ એકાઉન્ટ (ભાડે આપેલા બેંક ખાતા) દ્વારા છેતરાપિંડીના નાણાની હેરાફેરી કરવાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા-ફરતા સુરતના ઉત્સવકુમાર ભેસાણીયાને પોલીસે ઝડપી પાડયો છે.

ગૃહ વિભાગ દ્વારા મળેલા મ્યુલ એકાઉન્ટ્સના ડેટાની તપાસ દરમિયાન એસ.બી.આઈ.ના એક શંકાસ્પદ ખાતામાં અલગ-અલગ રાજ્યોમાંથી રૂ. 7,50,000 જમા થયા હોવાનું બહાર આવ્યું હતું. આ રકમ તે જ દિવસે એ.ટી.એમ. અને ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગત ડિસેમ્બર માસમાં ગુનો નોંધી અગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સાગરીતોમાંનો એક ઉત્સવકુમાર સુરત ખાતે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.

પોરબંદર એસ.પી. બી.યુ. જાડેજા અને ડીવાયએસપી ઋતુરાબાની સૂચના હેઠળ પીઆઈ એસ.આર. ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ એક્સપર્ટની મદદથી તપાસ હાથ ધરી હતી. મૂળ ભેસાણના અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ઉત્સવકુમાર ચંદુભાઈ ભેસાણીયાને ટ્રેસ કરી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પૂછપરછ ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક