• રવિવાર, 22 માર્ચ, 2026

વેરાવળના જાલેશ્વરમાં મચ્છી ઉતારવા મુદ્દે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : 6 ઇજાગ્રસ્ત

વેરાવળ, તા. 21 :  વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મચ્છી ઉતારવા જેવી સામાન્ય બાબતે માછીમારોના બે જૂથ સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બોલાચાલીમાંથી શરૂ થયેલો ઝઘડો સશસ્ત્ર અથડામણમાં ફેરવાતા લાકડીઓ, લોખંડના પાઈપ અને પથ્થરમારો થયો હતો, જેમાં અંદાજે 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચકચાર મચી છે.  ગત તા. 17 માર્ચના રોજ સાંજે જાલેશ્વર દરિયાકાંઠે મચ્છી ઉતારવા મુદ્દે આબીદ જુમા ઢોકી અને અસગર નથુ લુસાણીના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જોતજોતામાં બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા હતા અને એકબીજા પર તૂટી પડયા હતા. જાહેરમાં થયેલા પથ્થરમારાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સીટી પીઆઈ જે.એન. ગઢવીના જણાવ્યા મુજબ, આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.જેમાં અસગરભાઈ લુસાણીની ફરિયાદના આધારે આબીદ ઢોકી સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.જયારે સામે પક્ષે આબીદભાઈ ઢોકીની ફરિયાદના આધારે સોયબ અબ્દુલા સહિત 8 વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક