• ગુરુવાર, 26 માર્ચ, 2026

અગમ્ય કારણોસર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર, તા.25 : ગુલાબનગર વિસ્તારમાં સત્યમ માલધારી હોટલની સામેવાળા ઢાળિયા નજીક રમેશભાઇ નસાભાઇ જાટિયાનાં મકાનમાં રહેતા નિલેશભાઇ રાજકુમાર યાદવ (ઉં.વ.25) નામના યુવાને કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારજનોને થતાં તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા 108ના સ્ટાફે આવી યુવાનને તપાસી તેનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક પિતા રાજકુમાર ચૌધરીપ્રસાદ યાદવે જાણ કરતાં સિટી બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી યુવાનને ક્યા કારણોસર આપઘાત કર્યો છે ? તે જાણવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

સાળાએ બનેવીના પગ ભાંગી નાખ્યા

તારાણા ગામમાં કૌટુંબિક ઝઘડામાં સાળાએ બનેવી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાની ઘટના સામે આવી છે. મજૂરી કામ કરતા ધનજીભાઈ ઉર્ફે ધનો ફુલતરીયા નામના યુવાનને તેના જ સાળા રવિ રણછોડભાઈ સોલંકીએ કુહાડીના ઉંધા ઘા મારી બન્ને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ઘટનાની વિગત મુજબ, ફરિયાદી ધનજીભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતા હોય અવારનવાર પત્ની રેખાબેન સાથે ઝઘડો કરતા હતા. આ વાતનું ઉપરાણું લઈને સાળા રવિએ બનેવીનાં ઘરે પહોંચી ‘તું મારી બહેનને કેમ હેરાન કરે છે ?’ તેમ કહી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયા છે જ્યારે જોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 વ્યાજખોર સામે ફરિયાદ

મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા જમીન લે-વેચના વ્યવસાયી સંજયભાઈ મકવાણા સાથે રૂ. 4 કરોડની છેતરાપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, રાજદીપ ફાયનાન્સના સંચાલક યુવરાજાસિંહ જાડેજાએ મિત્રતા કેળવી નાણાંની જરૂરિયાત સમયે ઊંચું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. આરોપીએ સિક્યુરિટી પેટે જામનગર અને અમદાવાદની કુલ 5 મિલકતના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને અંધારામાં રાખી આ મિલકતો અન્ય વ્યક્તિઓને વેચી મારી વિશ્વાસઘાત આચર્યો હતો. જામનગર સિટી બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક