માત્ર બે જ આરોપી સામે ગુનો નોંધાયો : કોળી સમાજ દ્વારા રેલી કાઢી હત્યામાં સામેલ તમામ સામે કાર્યવાહી કરવા રજૂઆત
ધોરાજી, તા.29: ધોરાજીમાં પૈસાની
લેતી-દેતીમાં યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. જે યુવકનું
સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જોકે આ બનાવમાં માત્ર
બે જ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાથી કોળી સમાજ દ્વારા રેલી કાઢી તમામ આરોપી
સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
ધોરાજી પોલીસમાં મૃતકના કાકા
પરેશભાઈ બારૈયાએ ફરિયાદ આપી હતી. જે ફરિયાદમાં જણાવેલું કે ધોરાજી માર્કાટિંગ યાર્ડમાં
શાકભાજીની પેઢી ધરાવતા હોય. વેપારીઓને પૈસાની લેવડદેવડ કરવા માટે પીઆર આંગડિયામાં ચાર
લાખ આપવાના હતા. જે પૈકીની અમુક રકમ બાકી હોય જેને લઇ પીઆર આંગડિયાના ભગીરથાસિંહ જેઠવા
પૈસાની ઉઘરાણી બાબતે પેઢી ખાતે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસાની ચુકવણી કરી
આપવા જણાવ્યું હતું. બાદમાં ફરી સાંજના સમયે આરોપીએ ફોન કરી ધોરાજી આઈટીઆઈ પાસે બોલાવતા
ફરિયાદીનો પુત્ર વિવેક, ભત્રીજો હિમાલય અને કુટુંબી ભાઈ કેશુભાઈ ત્યાં પહોંચ્યા હતા.
જ્યાં ભગીરથાસિંહ જેઠવા, મહિપતાસિંહ જેઠવાએ લાકડી વડે માર મારી બ્રેઝા ગાડીમાંથી કુહાડી
કાઢી ભત્રીજા હિમાલયના ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારતા તે ઘટના સ્થળે ઢળી પડયો હતો. અને
ચાર શખ્સો કાર મૂકી નાશી છૂટયા હતા. ઇજાગ્રસ્ત હિમાલય હરેશભાઈ બારૈયાને પ્રથમ ધોરાજી
બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવતા તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો
હતો.
આ અંગે ધોરાજી પોલીસે પી.આર.
આંગડિયાના ભગીરથાસિંહ જેઠવા અને મહિપતાસિંહ જેઠવા સામે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની
અટકાયત કરી લીધી હતી.
ધોરાજી કોળી સમાજ દ્વારા આંબેડકર
ચોકથી 200થી વધુ લોકોએ રેલી દ્વારા ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજને રજૂઆત
કરી હતી. પોલીસે માત્ર બે જ આરોપીની ધરપકડ કરી છે એ યોગ્ય નથી અમારી માંગણી છે કે તમામ
જવાબદાર આરોપીઓની ધરપકડ થાય અને એનો વરઘોડો કાઢવામાં આવે જો આ બાબતે પોલીસ કાર્યવાહી
નહીં કરે તો ગુજરાત લેવલે ધરણા કરવામાં આવશે અને જલદ આંદોલન ઉપાડવામાં આવશે તેવી ચીમકી
ઉચ્ચારી હતી.