(ફૂલછાબ ન્યૂઝ)
મોરબી,વાંકાનેર,તા.28 : માતૃત્વને
લજવતો શરમજનક કિસ્સો વાંકાનેર પંથકમાં સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના અરણીટીંબા
ગામમાં કોઈ અજાણી અને કઠોર હૃદયની માતાએ પોતાની તાજી જન્મેલી બાળકીને બિનવારસુ હાલતમાં
તરછોડી દીધી હતી. ખુલ્લામાં રઝળતી મુકાયેલી આ માસૂમ બાળકીને રખડતા શ્વાને ફાડી ખાતા
અત્યંત કરુણ મૃત્યુ નીપજ્યું છે.
અરણીટીંબા ગામમાં કોઈ અજાણી મહિલા
પોતાનું પાપ છુપાવવા અથવા અન્ય કોઈ સામાજીક કારણોસર લોહીના સંબંધને ઠુકરાવી દીધો હતો.
તાજી જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને નિ:સહાય હાલતમાં ખુલ્લામાં ફેંકીને આ જનેતા પલાયન
થઈ ગઈ હતી. રક્ષણ આપનારી જનેતા જ જ્યારે ભક્ષક બની ત્યારે કુદરત પણ રૂઠી હોય તેમ આ
નિરાધાર બાળકી પર રખડતા શ્વાન અથવા જંગલી જાનવરો તૂટી પડયા હતા અને તેને બચકાં ભરીને
અત્યંત ક્રૂરતાપૂર્વક પીંખી નાખી હતી. આ બાળકીનો એક હાથ જાનવરો ખાઈ ગયા હતા. ગઈકાલે
રાત્રે આ ભયાવહ અને કંપારી છૂટી જાય તેવા મૃતદેહને જોતા સ્થાનિક ગ્રામજનો પણ સ્તબ્ધ
થઈ ગયા હતા.
આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પંથકમાં
ભારે અરેરાટી સાથે નિર્દયી જનેતા પ્રત્યે ફિટકાર અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની
જાણ થતાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસને
જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને પગલે વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે
દોડી ગયો હતો. હાલ મૃતદેહને ફોરેન્સિક અર્થે ખસેડવામાં આવ્યો છે. આ માસૂમ બાળકીને તરછોડનાર
અજાણી મહિલાને શોધવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.