ધોરાજી, તા.28 : રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અસ્થિ વિસર્જનની વિધિ પતાવી પરત ફરી રહેલા પરિવારની ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં એક વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 22 જેટલા મુસાફરો લોહીલુહાણ થયા છે.
રાધનપુર ખાતે અસ્થિ વિસર્જન કરી
પરત ફરી રહેલા પરિવારની બસ જ્યારે ધોરાજી નજીક પનઘટ હોટલ પાસે પહોંચી ત્યારે અચાનક
બસની એક્સલ તૂટી ગઈ હતી. આના કારણે ચાલકે સ્ટિયારિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ
રોડ પર બે-ત્રણ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 60 વર્ષીય બબીબેન રાઠોડનું ગંભીર ઈજાઓને
કારણે મૃત્યુ થયું હતું. બસમાં સવાર કુલ 25 મુસાફરોમાંથી 22ને નાની-મોટી ઈજાઓ પહોંચી
હતી. જેમાંથી 6 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા
છે. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો અને 108ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. બસના કાચ
તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને સીમરન ભારદ્વાજ એ પણ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોની
મુલાકાત લીધી હતી.