ગેરવહીવટ અને જમીન કબજાના આરોપોને લઈને ફરી ગરમાયો મુદ્દો, અધિકારીઓને અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી
ઓખા, તા.12 : દ્વારકા નજીક આવેલા
શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ સામે ગેરવહીવટ, જમીન કબજા અને ભ્રષ્ટાચારના
આરોપોને લઈને ચાલી રહેલા વિવાદે ફરી વેગ પકડયો છે. વિભિન્ન રજૂઆતો અને સરકારી તંત્રને
કરાયેલી ફરિયાદો બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેમ છતાં સ્થિતિમાં ખાસ ફેરફાર
જોવા મળ્યો નથી. લેન્ડ ગ્રાબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગ સાથે કરાયેલી
રજૂઆતોને પગલે તાજેતરમાં તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અધિક કલેક્ટર દ્વારા
પ્રાંત અધિકારી તથા નાયબ પોલીસ વડાને તપાસ કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
આ મામલામાં કેટલાક ટ્રસ્ટીઓ અને
વ્યક્તિઓ સામે જમીન કબજાના આરોપો તથા અગાઉના ગુનાહિત કેસોની વિગતો પણ સામે આવી છે.
રજૂઆત બાદ પીએમઓ સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી હતી અને હવે સમગ્ર મામલે ફરીથી તપાસ
શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાનો વિષય
બન્યો છે અને મંદિર વ્યવસ્થાપન તથા સરકારી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. હાલ તંત્ર
દ્વારા તાત્કાલિક અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને આગળની કાનૂની પ્રક્રિયા તપાસના પરિણામો
પર આધારિત રહેશે. સ્થાનિક લોકો અને વિવિધ રજૂઆતકારો દ્વારા ઝડપી અને નિષ્પક્ષ તપાસની
માંગ પણ કરવામાં આવી રહી છે.