• સોમવાર, 13 એપ્રિલ, 2026

મહિલા અનામત ખરડા માટે મોદીએ માગ્યું વિપક્ષી દળોનું સમર્થન

સદનના નેતાઓને લખ્યો પત્ર : ખડગેએ કહ્યું, ખરડા અંગે કોઈ જાણકારી આપ્યા વિના સરકાર સહયોગ માગી રહી છે

નવી દિલ્હી, તા. 12 : મહિલા અનામત ખરડાના સમય અંગે નારાજ વિપક્ષ સાથે સામાન્ય સમહતિ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં તમામ રાજનીતિક દળોના નેતાઓને પત્ર લખીને ખરડાને સર્વસહમતિથી પસાર કરાવવાની અપીલ કરી છે. જો કે આ પત્ર ઉપર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે દ્વારા આકરો પ્રહાર કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સરકાર કાયદા અંગે કોઈપણ જાણકારી આપ્યા વિના વિપક્ષ પાસે સહયોગ માગી રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા ખરડા અંગે પુરી તૈયારી કરી લેવામાં આવી છે અને સાંસદોને ત્રણ લાઈનનું વ્હીપ જાહેર કર્યું છે.

પીએમ મોદીએ તમામ દળોના નેતાઓને લખેલા પત્રમાં ખરડા ઉપર ચર્ચાને ઐતિહાસિક ગણાવતા તેને લોકતંત્રને વધુ સશક્ત બનાવવાની તક કહી હતી અને કહ્યું હતું કે તેઓ આ અંગે સૌની સામૂહિક પ્રતિબદ્ધતાની ભાવનાથી પત્ર લખી રહ્યા છે. તેમણે ખરડાને એક સ્વરથી પસાર કરાવવા રાજનીતિથી ઉપર આવીને એકજુથતા બતાવવાનું આહ્વાન કર્યું હતું. વધુમાં કહ્યું હતું કે આ મહિલાઓ અને આગામી પેઢી પ્રત્યે જવાબદારી બતાવવાનો સમય છે. પીએમ મોદી દ્વારા માગવામાં આવેલા સમર્થન ઉપર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો.

ખડગેએ કહ્યું હતું કે સરકાર કાયદા અંગે કોઈ જાણકારી આપ્યા વિના વિપક્ષ પાસેથી સહકાર માગી રહી છે. જેનાથી વિપક્ષને નક્કી લાગી રહ્યું છે કે મહિલાઓને સાચે સશક્ત બનાવવાને બદલે તેનો રાજનીતિક ફાયદો ઉઠાવવા માટે સરકાર બિલ લાગુ કરવામાં ઉતાવળ કરી રહી છે. સીમાંકન  અને અન્ય મુદ્દે વિસ્તૃત જાણકારી વિના સાર્થક ચર્ચા કરવી અસંભવ છે. નેતાઓને પત્ર દરમિયાન ભાજપ દ્વારા ખરડો પસાર કરાવવા તૈયારી થઈ ચુકી છે. સૂત્રો અનુસાર 16-18 એપ્રિલના લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે અને આ ત્રણેય દિવસે સદનમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક