રાજકોટ, સુરત, અમદાવાદમાં કકળાટ યથાવત્, આંતરિક અસંતોષ ડામવા આગેવાનોની મથામણ
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 12 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટિકિટ
વહેંચણી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભારતીય જનતા પાર્ટીમાં અનેક શહેરોમાં
આંતરિક અસંતોષ અને કકળાટ જોવા મળ્યો છે. ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વિતરણને લઈને
અમદાવાદ, રાજકોટ અને સુરત મહાનગરોમાં પાર્ટી અંદર નારાજગીની સ્થિતિ ઉભી થઈ છે. એકંદરે
પાર્ટીમાં ઉમેદવાર પસંદગી અને ટિકિટ વહેંચણીને લઈને વિવિધ સમાજ અને જૂથોમાં અસંતોષ
જોવા મળી રહ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતાઓએ ડેમેજ કંટ્રોલ માટે અલગ અલગ શહેરોમાં બેઠકો
કરી હતી.
રાજકોટ
મહાનગરમાં સ્થિતિ વધુ ગંભીર માનવામાં આવી રહી છે. અહીં 18 વોર્ડમાંથી કેટલાક વોર્ડમાં
ઉમેદવાર પસંદગીને લઈને ખાસ કરીને આહીર સમાજને વધુ ટિકિટ મળતા અન્ય સમુદાયોમાં અસંતોષ
ફેલાયો છે. આ નારાજગી બાદ પ્રદેશ પ્રમુખે મેદાનમાં ઉતરીને બંધ બારણે બેઠકો કરીને સમસ્યાનો
ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતમાં
પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 30 વોર્ડ પૈકી આશરે 10 વોર્ડમાં નાનામોટા પ્રશ્નો
ઊભા થયા છે. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સંગઠનના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી જ્યારે
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ પણ ડેમેજ કંટ્રોલમાં સક્રિય હતા.
અમદાવાદ
મહાનગરમાં પણ કેટલીક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. સરદારનગર, ઇન્ડિયા કોલોની અને
ચાંદખેડા જેવા વોર્ડમાં સ્થાનિક કાર્યકરો ખુલ્લો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાંક
સ્થળોએ નવા ઉમેદવારોને તક મળતા જૂના કાર્યકરોમાં અસંતોષ ઉભો થયો છે. સ્થાનિક નેતાઓએ
બેઠક કરીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકીય
નિષ્ણાતોનું કહેવું છે કે ટિકિટ વિતરણમાં જાતિગત સમીકરણ, નવા-જૂના ઉમેદવારો વચ્ચેનો
સંતુલન અને સ્થાનિક સમીકરણને યોગ્ય રીતે ન સમજાતા કેટલાક વિસ્તારોમાં નારાજગી વધી છે.
પાર્ટી સંગઠન હાલ દરેક વોર્ડમાં અલગ અલગ ટીમ મોકલીને કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી
રહ્યું છે. આગામી દિવસોમાં વધુ બેઠકો અને ચર્ચાઓ યોજાઈ શકે છે જેથી સ્થિતિ સંપૂર્ણપણે
શાંત થઈ શકે.
સ્થાનિક
સ્તરે હાલ સૌની નજર નેતાઓના નિર્ણય અને ડેમેજ કંટ્રોલની કામગીરી પર ટકેલી છે. જો નારાજગી
દૂર કરવામાં સફળતા મળે તો પાર્ટી માટે સ્થિતિ અનુકૂળ બની શકે છે, નહીં તો ચૂંટણીમાં
પડકારો વધી શકે છે અને સ્થાનિક સમીકરણો પર અસર જોવા મળી શકે છે. આ સમગ્ર સ્થિતિ હાલ
રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.