92 વર્ષની વયે ભારતીય સિનેમા અને સંગીત જગતનાં મલ્લિકા આશા ભોંસલેનું નિધન : આજે અંતિમ સંસ્કાર
આશા
ભોંસલેની છેલ્લી પોસ્ટ વાયરલ : સંગીત જીવનની નદી પાર કરાવનાર નાવિક અને સામા કાંઠે
પહોંચીને હજારો ધ્વનિમાં લીન થઈશ...
નવીદિલ્હી,
તા.12: મખમલી અવાજનાં મલ્લિકા અને ભારતીય સિનેમાનાં મહાન ગાયિકા આશા ભોસલેએ 92 વર્ષની
વયે જીવનયાત્રા સમેટી લીધી છે પણ તેમનાં જાદુઈ અવાજથી તેઓ અમર રહેશે. શનિવારની રાતે
અચાનક તેમની તબિયત લથડતા મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ચેસ્ટ ઇન્ફેક્શન અને થાકનાં કારણે તેમની હાલત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું નિધન
થયું હતું. તેમનાં અવસાનનાં સમાચારથી બોલીવૂડ અને સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી
હતી.
આજે
આશા ભોસલેનાં પુત્ર આનંદે તેમનાં નિધનની જાણકારી આપી હતી. આવતીકાલે રાષ્ટ્રીય સન્માન
સાથે શિવાજી પાર્કમાં સાંજે 4 કલાકે આશાતાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે
સવારે 11 કલાકથી તેમનાં નિવાસે પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે.
આશા
ભોસલેનાં અવસાનથી ભારતીય મનોરંજન ઉદ્યોગ ગમગીનીમાં ડૂબી ગયો હતો. દેશભરમાંથી સંખ્યાબંધ
કલાકારો અને હસ્તીઓએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી
શોક વ્યક્ત કર્યો હતો અને તેમનાં પરિવાર માટે સંવેદનાઓ પ્રગટ કરી હતી.
ભારતીય
સિનેમા અને સંગીત જગતનાં સૌથી પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકાઓમાં સામેલ આશા ભોસલેએ સાત
દાયકા લાંબી પોતાની સૂરીલી કારકીર્દીમાં 12 હજારથી વધુ ગીત રેકોર્ડ કર્યા હતા અને તેમણે
ભારત ઉપરાંત વિદેશી ભાષાઓમાં પણ પોતાનાં અવાજનો જાદુ પાથર્યો હતો. તેમને ભારતીય સિનેમાનાં
સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે સન્માન, પદ્મ વિભૂષણ સહિત અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી
સન્માનિત કરવામાં આવેલાં.
આશા
ભારતની કોયલ ગણાતા ગાયિકા લતા મંગેશકરનાં બહેન હતાં અને પોતાની અદ્ભુત બહુર્મુખી પ્રતિભા
માટે જાણીતા હતાં. તેમણે શાત્રીય સંગીતથી માંડીને ગઝલ, કેબ્રે અને પોપ સુધીની શૈલીમાં
પોતાની આગવી અને અલાયદી ઓળખ સ્થાપિત કરી હતી.
આ
મહાન ગાયિકાનાં નિધન બાદ 18 માર્ચે તેમણે કરેલી આખરી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ બની
ગઈ હતી. આ પોસ્ટમાં તેમણે પોતાનાં ગીત ધ શેડોઈ લાઇટ સાથે જીવન અને મોક્ષ વિશે લખ્યું
હતું.
આ
અંતિમ પોસ્ટમાં આશા ઇન્ટરનેશનલ બેન્ડ ગોરિલ્લાઝ સાથે નજર આવ્યાં હતાં. તસવીર સાથે પૃષ્ઠભૂમિમાં
ભારતીય મોહલ્લો, હાથી અને તૂટેલી ચીજો દેખાઈ રહી હતી. જેનાં કેપ્શનમાં લખ્યું હતું
કે, ધ શેડોઈ લાઇટ ગીત મારા માટે ગહન અર્થ ધરાવે છે. વારાણસી જઈને અને સૌથી પાવન નદી
ગંગાનાં તટે યાત્રા કરીને મેં જે કંઈપણ જોયું તેને નજીકથી સમજતાં મને જીવનનો ઊંડો અર્થ
સમજાયો. હું કોણ છું અને આ ધરતી ઉપર મારે શું કરવાનું છે ? આ યાત્રામાં નાવિક મારું
સંગીત છે જે મને જીવનની આ નદી પાર કરાવનાર માર્ગદર્શક છે જ્યારે હું બીજા કિનારે પહોંચીશ
તો મારી યાત્રા પૂરી થશે. મોક્ષ પ્રાપ્ત કરીશ અને એ હજારો ધ્વનિમાં લીન થઈ જઈશ જે આપણી
ચોતરફ તરતા રહે છે.