જેતપુર,ગોંડલ,તા.19: જેતપુરના કાગવડ પાસેના હેવન રિસોર્ટમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં પોતાની મેરેજ એનિવર્સરી અને પુત્રના જન્મ દિવસની ઉજવણી કરવા આવેલા નવાગામના 33 વર્ષીય યુવાન અજયભાઈ ભાણજીભાઈ રાઠોડનું સ્વામિંગ પૂલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. ગતરોજ પુત્ર વિહાનનો જન્મદિવસ મનાવ્યા બાદ પત્ની સાથે લગ્નની એનીવર્સરીમાં ખુશીઓ માણવા રિસોર્ટ પહોંચેલા અજયભાઈ પુત્ર સાથે પૂલમાં ન્હાઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક પૂલ પાસે ઉભા-ઉભા પાણીમાં પડી ગયા હતા. શરૂઆતમાં લોકોને લાગ્યું કે તેમણે છલાંગ લગાવી છે, પરંતુ 5 મિનિટ સુધી કોઈ હલચલ ન થતા તેમને બહાર કાઢી સીપીઆર અપાયો હતો.
વીરપુર સરકારી હોસ્પિટલના તબીબે
પ્રાથમિક દ્રષ્ટિએ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવ્યું છે, જોકે મોતનું સચોટ કારણ જાણવા
માટે મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો છે. ઓનલાઇન માર્કાટિંગના
વ્યવસાય સાથે જોડાયેલા આ આશાસ્પદ યુવાનના આકસ્મિક નિધનથી મેરેજ એનિવર્સરીની પાર્ટી
પહેલા જ પરિવારમાં ચીસિયારીઓ પડી ગઈ હતી અને ઉત્સવનો માહોલ ઘેરા શોકમાં ફેરવાઈ ગયો
હતો.