• રવિવાર, 19 એપ્રિલ, 2026

ગોલ્ડ ટ્રાડિંગ ફ્રોડ : સુરત સાયબર સેલે હાલોલથી આરોપીને ઝડપ્યો

સુરત,તા.18: સુરત સાયબર સેલે ગોલ્ડ ટ્રાડિંગના બહાને રૂ.25.75 લાખની છેતરાપિંડી આચરનાર આરોપી ઘનશ્યામ કનુભાઇ ઠક્કરને પંચમહાલના હાલોલ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીઓએ એનજીજીએફ ગોલ્ડ કંપનીના નામે બનાવટી વેબસાઇટ બનાવી ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપી અલગ-અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપીના ખાતામાં ફરિયાદીના રૂ. 1.72 લાખ જમા થયા હતા, જે બદલ તેણે કમિશન મેળવ્યું હતું. પોલીસની ઊંડી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલ આરોપીના બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરમાં અન્ય 22 જેટલા સાયબર ફ્રોડમાં પણ થયો છે. આ નેટવર્ક દ્વારા કુલ રૂ. 8.43 કરોડની છેતરાપિંડી આચરવામાં આવી હોવાનું નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના રેકોર્ડ પરથી જણાયું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોને પકડવા માટે તપાસ તેજ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક