• રવિવાર, 19 એપ્રિલ, 2026

મેક્કુલમ બનશે KKRનો કોચ : પીટરસન

IPL 2026મા KKRનાં ખરાબ પ્રદર્શન વચ્ચે સનસનીખેજ દાવો

નવી દિલ્હી, તા. 18 : કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ 2026માં હાલત ખરાબ છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની કેકેઆરનું હજી સુધી જીતનું ખાતું ખૂલ્યું નથી. કેકેઆરએ છ મેચમાંથી પાંચ ગુમાવી દીધા છે અને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે દસમા ક્રમાંકે છે. કોલકાતાની ટીમનો એક મેચ વરસાદમાં ધોવાયો હતો. કેકેઆરને શુક્રવારે ગુજરાત સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડયો હતો.

રહાણે બ્રિગેડે અમદાવાદના મેદાનમાં 181નો ટાર્ગેટ આપ્યો હતો જેને જીટીએ બે બોલ બાકી રહેતા પાર પાડયો હતો. આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને  એક સનસનીખેજ દાવો કર્યો છે. પીટરસનનું કહેવું છે કે આઇપીએલની આગામી સીઝનમાં બ્રેંડન મેક્કુલમ કેકેઆરનો કોચ બનશે. ન્યુઝિલેન્ડનો પૂર્વ દિગ્ગજ ખેલાડી મેક્કુલમ વર્તમાન સમયે ઇંગ્લેન્ડની ટીમનો હેડ કોચ છે. મેક્કુલમે આઇપીએલમાં કેકેઆર સહિત પાંચ ટીમ માટે કુલ 109 મેચ રમ્યા છે અને 2880 રન કર્યા છે. તેણે 2008માં કેકેઆર વિરુદ્ધ આરસીબીના મેચમાં 73 બોલમાં 158 રનની યાદગાર ઇનિંગ રમી હતી. પીટરસને દાવો કર્યો હતો કે તેણે કરેલી પોસ્ટને સેવ કરીને રાખવામાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક