• રવિવાર, 19 એપ્રિલ, 2026

ખેડા : સામૂહિક દુષ્કર્મના 8 આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન

આરોપીઓ પીડિતાને અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચરતા હતા દુષ્કર્મ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.18 : ખેડા જિલ્લાના ચાંદણા ગામમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જેમાં 8 આરોપીને સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ ફરીથી રજૂ કરાવવામાં આવ્યો હતો.

સામુહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટનાની શરૂઆત લગભગ બે વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમના જાળમાં ફસાવી હતી. આરોપ છે કે, ત્યારબાદ પરવેઝના અન્ય મિત્રો પણ સગીરાને ધમકીઓ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતા હતા. આરોપીઓએ પીડિતાના ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે સગીરા લાંબા સમય સુધી ભય અને દબાણ હેઠળ રહી હતી. આ શોષણ વર્ષ 2023થી લઈને 2025 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પીડિતા લાંબા સમય સુધી આ ઘટના વિશે કોઈને કહી શકી નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સક્રિય થયું છે અને કુલ 9 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 8 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી હજી પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય આરોપી પરવેઝ, માહિર, ફૈઝાન, તૌફીક, સાહીલ સહિત 9 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ રિકન્સ્ટ્રક્શન દ્વારા વધુ પુરાવા એકત્ર કરવાની  પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક