કરન્સી સ્વેપની મદદનો અનુરોધ : ભારત માટે માલદીવને સહાય કરવી કઠિન
નવીદિલ્હી, તા.19 : આર્થિક સંકટમાં
ઘેરાયેલું માલદીવ ભારત સરકારને કરન્સી સ્વેપની સુવિધા વિસ્તારી આપવા માટે અનુરોધ કરવાની
વિચારણામાં છે. જો કે વર્તમાન નિયમો અને સખત શરતોનાં કારણે આવા કોઈ અનુરોધનો સ્વીકાર
કરવો ભારત માટે કૂટનીતિક અને ટેકનિકલ પડકાર બની ગયો છે.
માલદીવ હાલ ભારેખમ આંતરરાષ્ટ્રીય
કરજ અને ઘટના વિદેશી મુદ્રા ભંડારના કારણે ગંભીર આર્થિક કટોકટીમાં મૂકાઈ ગયું છે. મધ્યપૂર્વનાં
યુદ્ધના હિસાબે પર્યટન અને ઊર્જાની કટોકટીને કારણે માલદીવની કમર ભાંગી ગઈ છે. જેના
હિસાબે હવે માલદીવને ફરીથી ભારતની યાદ આવી છે. જો કે ભારતીય નિયમો અનુસાર બે વખત ઉપાડ
વચ્ચે એક કૂલિંગ ઓફ પીરિયડ (નિશ્ચિત અવધિ) હોવો અનિવાર્ય છે. આ ઉપરાંત રોલઓવર એટલે
કે કરજની અવધિ વધારવાની મર્યાદા પણ નિર્ધારિત હોય છે. જેના હિસાબે ભારત માટે ફરીથી
માલદીવને મદદ કરવી આસાન નહીં રહે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે
માલદીવની સમસ્યાઓ ઉકેલવા માટે અસાધારણ પગલાં ભર્યાં હતાં. ઓક્ટોબર 2024માં ભારતે
400 મિલિયન ડોલરની કરન્સી સ્વેપની સુવિધા આપી હતી. જેને સખત નિયમો છતાં બે વખત રોલ
ઓવર પણ કરવામાં આવ્યું હતું.