નવી દિલ્હી, તા. 19 : ભારતીય વાયુસેનાનાં યુદ્ધ વિમાન સુખોઈ એસયુ-30એમકેઆઇ ફાઇટર જેટે પૂણેના સિવિલ મિલિટ્રી એરપોર્ટે હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. આ બનાવમાં વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ઘટનામાં વિમાનના અંડરકેરિજમાં તકલીફ આવી હતી, જેનાં પરિણામે રન વે લગભગ 10 કલાક માટે બંધ રહ્યો હતો. શનિવારે સવારે કામ યુદ્ધનાં ધોરણે પૂરું કરવામાં આવ્યું હતું અને બાદમાં સેવા બહાલ થઈ હતી.
મળતી વિગત પ્રમાણે શુક્રવારે
રાત્રે 10.25 વાગ્યે સુખોઈ જેટ લેન્ડિંગ દરમિયાન હાર્ડ લેન્ડિંગનો શિકાર બન્યું હતું.
જેમાં વિમાનના લેન્ડિંગ ગેરમાં તકલીફ ઉભી થઈ હોવાનું સામે આવ્યું હતું અને વિમાન રન
વેની વચ્ચોવચ અટકી ગયું હતું. આ બનાવમાં બન્ને પાયલટ સુરક્ષિત છે અને સિવિલ સંપત્તિને
કોઈપણ નુકસાન પહોંચ્યું નહોતું. એક નાની આગ લાગી હતી પણ તેના ઉપર તાકીદે કાબૂ મેળવી
લેવાયો હતો. આ મામલે વાયુસેના તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે.