• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ધોરાજીમાં 5 લાખની સામે 30 લાખનું મકાન પચાવી પાડનાર વ્યાજખોરની ધરપકડ

ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજની કડક કાર્યવાહી; ભોગ બનનાર લોકોને નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા અપીલ

ધોરાજી તા.22 : ધોરાજીમાં વ્યાજખોર સામે પોલીસે લાલ આંખ કરતાં પાંચ લાખની લોન સામે 30 લાખનું મકાન પચાવી પાડી હજુ 45 લાખ બાકી છે તે પ્રકારની ઉઘરાણી સાથે ધમકી આપતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા અને હોટલમાં કામ કરતા અરાવિંદભાઈ દેવરાજભાઈ ચાવડાએ અગાઉ પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે ‘જય અંબે એન્ટરપ્રાઇઝ’ ના સંચાલક હરપાલાસિંહ ચુડાસમા પાસેથી 3 ટકાના વ્યાજે 5 લાખ લીધા હતા. વ્યાજ ભરી ન શકતા આરોપીએ અરાવિંદભાઈનું રૂ.30 લાખની કિંમતનું મકાન માત્ર રૂ.11 લાખની લોન પેટે પચાવી પાડ્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ હજુ રૂ.45 લાખ બાકી હોવાનું કહી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું અને બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી કોર્ટમાં કેસ પણ કર્યા હતા.  ભોગ બનનાર અરાવિંદભાઈએ હિંમત કરી ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. મામલાની ગંભીરતા જોઈને મહિલા અધિકારીએ તાત્કાલિક ધોરાજી સિટી પોલીસને ગુનો નોંધવા આદેશ આપ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી હરપાલાસિંહ ચુડાસમાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ સફળ ઓપરેશન બાદ ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજે ધોરાજી ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોના રહીશોને અપીલ કરી હતી કે કોઈપણ વ્યક્તિ જો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલી હોય અથવા ધાક-ધમકીનો શિકાર બનતી હોય, તો તેમણે ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અથવા રૂબરૂ આવીને ફરિયાદ કરવી. પોલીસ દરેક પીડિતને 100 ટકા મદદ કરશે અને વ્યાજખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક