મોરબી, તા.15:મોરબી શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મકાન ભાડું ન ચૂકવી શકતા એક નરાધમ પતિએ પોતાની પત્ની અને સગીર વયની દીકરીને મકાન માલિકના હવસનો શિકાર બનવા મજબૂર કરી હતી. અંદાજે છ માસ પૂર્વ મજૂરી અર્થે મોરબી આવેલા આ શ્રમિક પરિવારને કામધંધો બરાબર ન ચાલતા મકાનનું ભાડું ચડી ગયું હતું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી મકાન માલિકે પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સગીર દીકરી પર પણ કુદૃષ્ટિ કરી હતી. આરોપી પિતાએ ભાડાના બદલામાં પોતાની દીકરીને મકાન માલિક પાસે મોકલી લલચાવી-ફોસલાવીને અવારનવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
આ શરમજનક
કૃત્યમાં મકાન માલિકે તેના ટંકારા સ્થિત નિવાસસ્થાને પણ મહિલા અને સગીરાને લઈ જઈ અન્ય
એક સહ-આરોપી સાથે મળીને પાશવી દુષ્કર્મ આચર્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી
એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી પતિ અને મકાન માલિક સહિત ત્રણ વિરુદ્ધ
ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી પતિ અને મકાન માલિકની ધરપકડ કરી લીધી છે, જેમાં પતિને
જેલહવાલે કરાયો છે અને મકાન માલિકના એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરવામાં આવી
છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો
ગતિમાન કર્યા છે.