ધર્મશાલા, તા.1પ: આઇપીએલ-2026 સીઝનના શરૂઆતના 7 મેચ સુધી અપરાજિત રહેનાર પંજાબ કિંગ્સ પછીના સળંગ પાંચ હારી ચૂકી છે. આથી તેની પ્લેઓફ પ્રવેશની રાહ હવે કઠિન બની ચૂકી છે. તેના હવે આરસીબી અને લખનઉ સામેના બાકીના બન્ને મેચમાં વિજય મેળવવો પડશે. તો જ તેના માટે પ્લેઓફ ટિકિટ શકય બનશે.
ગઇકાલના
મેચમાં પંજાબનો મુંબઇ સામે પરાજય થયો હતો. આ હાર પછી પંજાબના સહાયક કોચ બ્રેડ હેડિને
સ્વીકાર્યું કે અમારા ખેલાડી દબાણ સહન કરી રહ્યા નથી. અમે હવે એ તબક્કે પહોંચ્યા છીએ
જ્યાં ખેલાડીઓની અસલી પરીક્ષા થશે. હવે અમારે હરહાલમાં વાપસી કરવી પડશે. ડ્રેસિંગ રૂમમાં
હારનું દર્દ છે. અમારે ખુદે જ રસ્તો શોધવો પડશે. ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત પછી એવું
તો શું ખોટું થયું તે શોધવું પડશે. કોચ હેડિને કહ્યું સતત હારથી ખેલાડીઓ પ્રેશરમાં
આવી ગયા છે. આમાં કોઇ વાત છૂપાવવા જેવી નથી. અમારે સારૂં રમવું પડશે. મહત્ત્વના તબક્કે
અમે સર્વશ્રેષ્ઠ રમત રમી રહ્યા નથી. તે સ્વીકારવું પડશે. બે મેચ વાત બાકી છે અને કોઇ
ભુલની હવે તક નથી. બસ આ સીધી વાત છે.