પેટ્રોલ-ડીઝલમાં 3થી 3.50 રૂપિયા અને CNGમાં 2 રૂપિયાનો વધારો
વિપક્ષે
સ્થિતિ માટે મોદી સરકારને ગણાવી જવાબદાર
સરકારે
કહ્યું, અન્ય દેશો કરતાં ઓછા ભાવ વધ્યાં
નવી
દિલ્હી, તા.1પ: ખાડી સંકટનાં કારણે દુનિયામાં સર્જાયેલા ઊર્જા અને આર્થિક સંકટનાં કારણે
ભારતમાં મોંઘવારીનાં વિષચક્રે હવે આમજનતાને ભરડો લેવા માંડયો છે. છેલ્લા 48 કલાકમાં
મોંઘવારીએ ચોતરફથી આક્રમણ કર્યુ છે. સૌથી પહેલા સોના-ચાંદી ઈમ્પોર્ટ ડયૂટી વધતા કિંમતી
ધાતુઓનાં ભાવમાં ભડકો થઈ ગયો હતો. ત્યારબાદ દૂધનાં ભાવમાં વધારો થયો અને તેની કળ વળે
તે પહેલા જ હવે સીએનજીનાં ભાવમાં 2 રૂપિયા અને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ 3થી 3.પ0
રૂપિયા સુધીનો ડામ આવી ગયો છે. આ નવો ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
આજનાં
ભાવ વધારાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 97.77,
મુંબઈમાં 106.68, કોલકતામાં 108.74 અને ચેન્નઈમાં 103.67 રૂપિયા થઈ ગયો છે. ડીઝલનાં
ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં હવે ડીઝલનો ભાવ 90.67, મુંબઈમાં 93.14, કોલકતામાં
95.13 અને ચેન્નઈમાં 95.25 રૂપિયા પ્રતિ લિટર થયો છે. સીએનજીનાં ભાવમાં 2 રૂપિયા વધતા
દિલ્હીમાં ભાવ 79 અને મુંબઈમાં 84 રૂપિયા થયો છે. દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી
પૂરી થયા બાદ ઈંધણનાં ભાવમાં ધગધગતા ડામ આવવાની આશંકા હતી પણ સરકાર તરફથી તેનાં માટે
ઈનકાર પણ કરવામાં આવતો હતો. જો કે આખરે શંકા સાચી પડી છે અને આજનાં ભાવ વધારા સાથે
જ વિપક્ષે સરકાર ઉપર તડાપીટ બોલાવી દીધી હતી.
લોકસભામાં
વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધતા એક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું
કે, આ બોજ આખરે જનતા ઉપર આવી પડયો છે. આ તો માત્ર 3 રૂપિયાનો ઝટકો જ છે અને હજી બીજી
વસૂલાત પણ હપ્તામાં થશે. રાહુલે આ ભાવ વધારા માટે સીધી મોદી સરકારને જવાબદાર ઠરાવી
હતી. સપાનાં નેતા અખિલેશ યાદવે પણ સરકાર ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, હવે આગળ
વધવું હોય તો એકમાત્ર વિકલ્પ સાઈકલ જ છે.
કોંગ્રેસે
પોતાનાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ક્રૂડ ઓઈલનો ભાવ જ્યારે 70 ડોલર આસપાસ
હતો ત્યારે પણ ભારતમાં કેન્દ્ર સરકારે વસૂલેલી તોતિંગ એક્સાઈઝ ડયૂટીનાં કારણે પેટ્રોલ-ડીઝલનાં
ભાવ 90-100 રૂપિયા રહ્યાં હતાં. એટલે કે સસ્તા ક્રૂડ ઓઈલનો કોઈ લાભ જનતાને મળ્યો ન
હતો. સરકારે ત્યારે કરેલી લાખો કરોડની કમાણીમાંથી આ સંજોગોમાં રાહત આપવાની જરૂર હતી.
તેનાં બદલે સરકાર આ બોજ પણ જનતા ઉપર નાખી રહી છે.
વિપક્ષે
ચોતરફી આક્રમણ શરૂ કર્યા બાદ સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા આપતાં સંસદીય કાર્યમંત્રી
કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, ભારતે ઈંધણ સંકટ વચ્ચે પણ આર્થિક સ્થિરતા અને જનકલ્યાણ
વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ 20થી 100 ટકા જેટલા
વધી ગયા છે ત્યારે ભારતમાં માત્ર 3.4 ટકા જેટલો જ ભાવ વધારવામાં આવ્યો છે.