હર્ષિદા શેટ્ટીએ સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે પ્રેમી સાથે મળીને દાગીના ચોરવાનો પ્લાન ઘડયો હતો
(અમારા
પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ, તા.18: અમદાવાદના નિકોલ સ્થિત આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર
જ્વેલર્સના શોરૂમમાંથી કરોડોના દાગીના ચોરનાર સેલ્સ ગર્લને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે
અમદાવાદમાંથી પકડી લીધી છે. યુવતીએ યોજનાબદ્ધ રીતે 1.11 કરોડની કિંમતના દાગીના પોતે
જ્યાં કામ કરતી હતી તે શોરૂમમાંથી જ તફડાવ્યા હતા. પોલીસે હાલમાં દાગીના ચોરનાર યુવતી
અને તેના પ્રેમી બન્નેની ધરપકડ કરી લીધી છે.
નિકોલ
વિસ્તારના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શાપિંગ મોલમાં આભૂષણ ગોલ્ડ નામના જ્વેલર્સના
શો-રૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ પોતાની બેસવાની જગ્યાએ રહેલા કબાટમાંથી સોનાની
ચેઈનો, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડેન્ટ, સોનાની ઘડિયાળ સહિત કિંમતી ઘરેણાની ચોરી
કરી હતી. 1211.991 (એક કિલો 212 ગ્રામ) સોનાની વસ્તુઓ ચોરાઈ હતી જેની કુલ કિંમત રૂ.
1.11 કરોડ હોવાનું જણાયું છે. શો-રૂમના માલિક દર્શનભાઈ શાહે સાંજે સ્ટોક ચેક કરતી વખતે
મોટી ગરબડ જણાતા હર્ષિદા અંગે પૂછપરછ કરી હતી. બાદમાં તે વહેલી જતી રહી હોવાનું જણાતા
સીસીટીવી ફૂટેજની તપાસ કરતા તેણે જ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. નિકોલ પોલીસ અને
ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી હર્ષિદાને અમદાવાદમાંથી
જ ઝડપી પાડી હતી.