• મંગળવાર, 19 મે, 2026

પેપર લીકની તપાસ માટે NTAનાં પ્રમુખને સંસદીય સમિતિનું તેડું

પરીક્ષા પહેલા પેપર મેળવીને અનેક લોકો સુધી પહોંચાડનાર કોચિંગ સંચાલક પકડાયો

નવી દિલ્હી, તા.18: નીટ યુજી-2026 પેપર લીક મામલામાં હવે એનટીએનાં અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશી અને અન્ય અધિકારીઓને સંસદની એક સમિતિ દ્વારા બોલવવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની સમીક્ષા કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને ખેલ સંબંધિત સંસદની સ્થાયી સમિતિએ 21મી મેનાં રોજ શિક્ષા મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કથિત પેપર લીક અને એનટીએમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં એનટીએમાં સુધારા માટે બનેલી કે.રાધાકૃષ્ણન સમિતિની ભલામણોની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પેપર લીકની તપાસ કેટલી આગળ વધી છે તેની ચર્ચા પણ તેમાં થશે.

નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતાં મહારાષ્ટ્રનાં લાતૂર શહેરનાં એક કોચિંગ સંચાલકની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ પ્રકરણમાં કુલ 10મી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ઓળખ શિવરાજ રઘુનાથ મોટેગાંવકર તરીકે થઈ છે અને તે રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ નામે કોચિંગ સંસ્થા ચલાવે છે.

સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી તલાશીમાં મોટેગાંવકરનાં મોબાઈલ ફોનમાંથી મેડિકલ પ્રવેશ પરીક્ષાનું લીક થયેલું એક પ્રશ્નપત્ર મળી આવેલું અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈનો આરોપ છે કે, શિવરાજ મોટેગાંવકર નીટનું પેપર ફોડનાર સંગઠિત ગિરોહનો જ એક સક્રિય સદસ્ય છે. તેણે અન્ય આરોપીઓ સાથે મળીને નીટ-યુજી પરીક્ષા પહેલા જ આ પ્રશ્નપત્ર અને તેનાં જવાબો મેળવી લીધા હતાં. ત્યારબાદ તેણે અનેક લોકો સુધી આ પેપર પહોંચાડયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક