• મંગળવાર, 19 મે, 2026

રાજસ્થાનનું પ્લેઓફમાં સ્થાન કે બહાર ? આજે લખનઉ સામે નિર્ણાયક મુકાબલો

જયપુર, તા.18 : રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની ધૂંધળી આશા જીવંત રાખવી હશે તો તેણે પોતાના આખરી બે મેચ જીતવા પડશે. રિયાન પરાગના સુકાનીપદ હેઠળની આ ટીમ તેના પાછલા ત્રણ મેચ હારી ચૂકી છે. હવે તેનો મુકાબલો મંગળવારે હોમ ગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ થવાનો છે. કરો યા મરો સમાનના આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે રમતના દરેક વિભાગમાં સુધારો કરવો પડશે. અન્યથા હોમ ગ્રાઉન્ડ પર વધુ એક આંચકો સહન કરવા તૈયાર રહેવું પડશે. લખનઉ ટીમ પ્લેઓફની રેસમાં નથી. તેનો ઇરાદો પ્રોત્સાહક જીત સાથે પ્લેઓફનાં સમીકરણ બગાડવાનો હશે.

રાજસ્થાન રોયલ્સ ઘરેલુ મેદાનનો ફાયદો ઉઠાવવામાં પૂરી રીતે નિષ્ફળ રહી છે. આ સીઝનમાં તે હોમ ગ્રાઉન્ડ પર એક પણ મેચ જીતી શકી નથી. સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર તેનો આ આખરી મેચ છે. જે કરો યા મરો સમાન છે. આ પછી અંતિમ લીગ મેચ વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે 24મીએ રમશે.

રાજસ્થાનને તેના પાછલા મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે નીચેના ક્રમના બેટધરોના ખરાબ દેખાવને લીધે હાર મળી હતી. ટીમની શરૂઆત 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશી પણ મહદ અંશે નિર્ભર રહે છે. યશસ્વી જયસ્વાલના ફોર્મમાં અચાનક ઝાંખપ લાગી છે. જો કે ડેથ ઓવર્સમાં તેનો કોઈ ખેલાડી પાવર હિટિંગ કરી રહ્યો નથી કે મેચ ફિનિશ કરી રહ્યો નથી. પંજાબની માફક તેની ફિલ્ડિંગ પણ નબળી છે.

પ્લેઓફની બહાર એલએસજી પર હવે કોઈ દબાણ નથી. આથી તે બેખોફ બની રમે છે. જેનો નમૂનો પાછલા સીએસકે સામેના મેચમાં જોવા મળ્યો હતો. લખનઉનો રાજસ્થાન પછી આખરી મેચ પંજાબ સામે છે અને તે આ બન્ને ટીમના સમીકરણ બગાડી શકે છે. મિચેલ માર્શ અને નિકોલસ પુરાન આઇપીએલના અંતમાં પાવર હિટિંગ કરી રહ્યા છે. તેમના પર અંકુશ મૂકવો રાજસ્થાનના બોલર્સ સામે પડકાર બની રહેશે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક