ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ સરકારી માલિકી કે નિયંત્રણવાળી સંસ્થા નથી
નવી
દિલ્હી, તા.18: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને માહિતી અધિકાર (આરટીઆઈ)
કાયદાનાં દાયરામાં લાવવાની માગણી કરતી અરજીને કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઈસી)એ ખારિજ
કરી નાખી છે.
સીઆઈસી
દ્વારા આજે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈ કોઈ જાહેર ઓથોરિટી નથી. તેનાં
ઉપર સરકારની માલિકી કે નિયંત્રણ પણ નથી અને તેને કોઈ સરકારી નાણાકીય સહાય પણ મળતી નથી.
બીસીસીઆઈ ક્યાં અધિકાર કે કાનૂની જોગવાઈનાં આધારે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને
રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરે છે તેવા સવાલ
સંબંધિત અપીલમાં આજે આ સ્પષ્ટતા આપવામાં આવી હતી. માહિતી કમિશનર પી.આર. રમેશે પોતાનાં
આદેશમાં કહ્યું હતું કે, બીસીસીઆઈ એક ખાનગી અને સ્વાયત સંસ્થા છે. જે તામિલનાડુ સોસાયટીઝ
રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી છે. તેને બંધારણ કે સંસદ કે રાજ્ય વિધાનમંડળ દ્વારા
સ્થાપિત કરવામાં આવ્યું નથી. આવી જ રીતે તેની રચના કોઈ સરકારી જાહેરનામા હેઠળ કરવામાં
આવેલી નથી. તેથી આરટીઆઈ એક્ટની કલમ 2(એચ) હેઠળ બીસીસીઆઈને પબ્લિક ઓથોરિટી માની શકાય
નહીં. તેથી આ કાયદાની જોગવાઈ તેને લાગુ થતી નથી.